આસામ પૂરની નાગચૂડમાં ફસાયું છે. રાજ્યમાં પુરનું તાંડવ સતત કહેર વર્તાવી રહ્યું છે. પુરના કારણે અત્યાર સુધીમાં 179 લોકોના મોત થઈ ચુક્યા છે. કેટલાય લોકો ઘર વિહોણા થઈ ગયા છે. આસામમાં પુરથી સૌથી વદારે અસર કછાર જિલ્લામાં જોવા મળી રહી છે. કછાર જિલ્લામાં પુરના પાણીએ સૌથી વધારે તબાહી મચાવી છે. પોલીસે અને એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામમાં લાગેલી છે. આ તમામની વચ્ચે આસામ પોલીસે કછાર જિલ્લામાં આવેલી બરાક નદીના ડેમ તૂટવાના મામલે બે લોકોની ધરપકડ કરી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પોલીસે આ મામલે બે લોકોની ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે, તેમણે બરાક નદી પર બનેલા બાંધને જાણી જોઈને તોડ્યો, જેના કારણે સિલચર શહેરમાં પુર આવ્યું.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બરાક નદી ઉપર કછાર જિલ્લામાં આવેલો ડેમ તોડી પાડવાના આરોપસર જે બે લોકોની ધરપકડ કરાઇ છે, તેમની ઓળખાણ મિઠૂ હુસૈન લશ્કર અને કાબુલ ખાન તરીકે થઈ છે. કછાર પોલીસ અધિકારીએ બંને આરોપીઓની ધરપકડ થઈ હોવાની પુષ્ટિ કરી છે. પણ પોલીસે આ ઘટનામાં બંનેની ભૂમિકા વિશે જાણકારી આપવાની ના પાડી છે. ડેમ તોડવાના ષડયંત્ર અને તેને અંજામ આપવા સુધીના ઘટનાક્રમમાં ઘણાં લોકો સંડોવાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે. આ તમામની ઓળખ અને તેમની ભૂમિકા અંગે પોલીસ તપાસ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય મહત્વનું થઇ પડે છે કે, આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા શરૂઆતથી આ વાતનો ઉલ્લેખ કરતા આવ્યા છે કે, આ પુર માનવ નિર્મિત છે. અને આ મામલામાં આરોપીઓને પકડીને કડક કાર્યવાહી કરવી જોઈએ. આપને જણાવી દઈએ કે, કાબુલ ખઆને બંધ તોડવાનો વીડિયો પણ બનાવ્યો હતો, જેમાં તેનો અવાજ સંભળાઈ રહ્યો છે. સીએમ હિમંત બિસ્વાએ વાયરલ વીડિયોને કછાર ગામના લોકોને પણ બતાવ્યો હતો. તેમણે લોકોને આ અવાજ ઓળખી બતાવવા માટે કહ્યું હતું. જે બાદ કાબુલ ખાનની ઓળખાણ થઈ હતી. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર બાંધ તોડવામાં કુલ છ લોકોનો હાથ હતો. આ મામલાની ગંભીરતા જોતા રાજ્ય સરકારે તેની તપાસ CIDને સોંપી દીધી છે. સીઆઈડીએ આ મામલે કેસ નોંધીને આગળની કાર્યવાહી કરી રહી છે.