ભારતીય જનતા પાર્ટી (BJP)ની ફાયરબ્રાન્ડ નેતા અને ભોપાલ સંસદીય ક્ષેત્રની સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ફોન પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકર જે દાઉદ ગેંગ સાથે સંબંધ ધરાવે છે, તેણે પ્રજ્ઞા ઠાકુરને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. તે વ્યક્તિ પોતે સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ફોન પર ધમકી આપી રહ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આ ધમકીમાં દાઉદ ગેંગનો હાથ હોવાનું કહેવાય છે. પરંતુ આ ફોન ખરેખર દાઉદ ગેંગના કોઇ સાગરિતે કર્યો હતો કે અન્ય કોઈએ તે અત્યારે કહી શકાય તેમ નથી. અજાણ્યા વ્યક્તિએ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરને ફોન પર મારી નાખવાની ધમકી આપી છે. આ પછી, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે તરત જ પોલીસનો સંપર્ક કર્યો, જેના પર પ્રશાસને કેસ નોંધ્યો છે. પોલીસે ફોન કોલની વિગતોની તપાસ શરૂ કરી છે.
તપાસ બાદ જ ખબર પડશે કે આ ફોન કોના ઈશારે ક્યાંથી કરવામાં આવ્યો હતો. આ ફોન કોલ પર મળેલી ધમકી બાદ વિવિધ રાજકીય નિવેદનો જોવા મળી રહ્યા છે. જેમાં રાજકારણીઓ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરની સુરક્ષાને લઈને ચિંતિત હોવાનું કહેવાય છે. સાંસદે જણાવ્યું કે લગભગ 1 વાગ્યે બીજેપી ઓફિસથી ઘરે પરત ફરી રહી હતી, તે દરમિયાન એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો. આરોપીએ પોતાને ઈકબાલ કાસકરનો માણસ હોવાનું જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી છે.