ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી 2022ને લઈને ભાજપ સંસદીય દળની બેઠક બાદ પાર્ટીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડના નામની જાહેરાત કરી છે. ક્યાંય ચર્ચામાં નહીં રહેલા ધનખડને ઉમેદવાર જાહેર કરી ભાજપે ફરી એકવાર સૌને ચોંકાવ્યા છે. મુખત્યાર અબ્બસ નકવીને રાજ્યસભામાં રિપિટ નહીં કરી મંત્રી તરીકે રાજીનામું લઇ લેવાતાં તેમનું નામ આ પદની રેસમાં જોડાયું હતું. જો કે હવે તેઓ પ.બંગાળના રાજ્યપાલ બનાવવામાં આવે એવું ચર્ચાઇ રહ્યું છે. બંગાળમાં મુસ્લિમ વસ્તી નોંધપાત્ર છે, આ મુસ્લિમ મતદારોને પોતાની તરફ વાળવાના વ્યૂહ રૂપે નકવીને બંગાળના રાજ્યપાલ બનાવાય એવું ગણિત રાજકીય પંડીતો માંડી રહ્યા છે.
ભાજપ સંસદીય દળની બેઠક બાદ સ્પીકર જેપી નડ્ડાએ જાહેરાત કરી છે કે NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર હશે. આ મુદ્દે ભાજપે આજે સંસદીય દળની બેઠક બોલાવી હતી જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓ સામેલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. જેના કારણે રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ તરત જ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરવી પડશે. આવી સ્થિતિમાં ભાજપે આજે સંસદીય દળની બેઠક બાદ પોતાના ગઠબંધન તરીકે જગદીપ ધનખડના નામની જાહેરાત કરી છે.