સુરત, તા.18 ફેબ્રૂઆરી…
શ્રવણ તીર્થના નામે સિનિયર સિટિઝન્સને ધાર્મિક તીર્થ યાત્રા કરાવવાનું કહી વયસ્કો સાથે છેતરપિંડી કરનારા લુણાગરિયા પિતા-પુત્ર સામે શહેરના 4 પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાવાઇ હતી. આ બે પૈકી અશોક લુણાગરિયાને ખટોદરા પોલીસે ઝડપી પાડ્યો છે. તેણે 1200 જેટલા વયસ્કો પાસે 15.31 લાખ ખંખેર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કામરેજમાં દાદા ભગવાન મંદિર પાસે સ્વપ્ન વિલા સોસાયટીમાં રહેતા અશોક ઉર્ફે અજય લુણાગરિયા અને તેની માતા જયેશ્રી ધાર્મિક તીર્થ યાત્રાનું આયોજન કરે છે. જયેશ્રી લુણાગરિયા પોતાને ભાજપના કાર્યકર તરીકે ઓળખાવી શ્રવણ તીર્થ નામથી વયસ્કોને યાત્રા કરાવતી હોવાનું જણાવે છે. આ લુણાગરિયા માતા પૂત્રએ શહેરના સેંકડો વ્યસ્કો પાસે હરિદ્વાર, મથુરા, ઋષિકેષ, આગ્રા, દિલ્હી વિગેરે સ્થળોના પ્રવાસના નામે લાખોનું ચિટિંગ કર્યું છે.

આ બંને સામે રાંદેર અને અઠવાલાઇન્સ, કાપોદ્રા બાદ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી. અલથાણ ગાયત્રી મંદિર પાસે મહાવીર નગરમાં રહેતાં ભારતીબેન પ્રવિણચંદ્ર ચીમનલાલ જરીલાલાએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેણીએ જણાવ્યું હતું કે 41 વ્યક્તિઓના ગૃપને 3000 રૂપિયામાં તીર્થ યાત્રા કરાવવાનો વાયદો કરાયો હતો. અમે 1,23,000 રૂપિયા જમા કરાવ્યા હતાં. લુણાગરિયા એ અમોને 26મી ફેબ્રૂઆરીએ ટુર ઉપડશે એવો વિશ્વાસ ભરોસો આપતાં અમે બધી તૈયારી કરી લીધી હતી.

જો કે 27 જાન્યૂઆરીએ અશોક ફોન બંધ કરી ગાયબ થઇ ગયો હતો. ટુરમાં જવા નામ નોંધાવી ફી આપી દેનારાઓ પૈકી કોઇને ટિકિટ અપાઈ ન હતી. બધાએ સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો પરંતુ અજય ઉર્ફે અશોક કે તેની માતા જયશ્રી કોઇનો સંપર્ક થઇ શક્યો ન હતો. બધા રઝળી પડ્યા આ દરમિયાન એ માતા-પૂત્રએ ચિટિંગ કર્યાની વાતો સાંભળવા મળી અને પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.
ઉપરા છાપરી 4 ગુનાઓ નોંધાતા શહેરભરમાં આ પ્રકરણ ચકચારી બન્યું હતું. ખટોદરા પોલીસ મથકના ઇન્સપેક્ટર આર. કે. ધુળીયાની ટીમે આ મેટર ગંભીરતાથી લીધી અને ટેકનીકલ સર્વેલન્સ સાથે હ્યુમન રિસોર્સિસ કામે લગાવી આ ઉઠમણામાં અશોક ઉર્ફે અજય રાજેન્દ્ર લુણાગરિયાને ઉધના દરવાજા વિસ્તારમાંથી પાડ્યો છે.

*** પોલીસે પકડ્યો અને હોસ્પિટલ લઇ જવો પડ્યો
ઇન્સ્પેક્ટર ધુળીયાએ જણાવ્યું હતું કે અજય જામનગરના જામજોધપુરના સળોદર ગામનો વતની છે. તેણે શ્રવણ તીર્થ યાત્રાના નામે 1200 જેટલા વયસ્કો પાસે 15.31 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતાં. પોલીસે પકડ્યો ત્યારે તેની શારીરિક સ્થિતિ ખૂબ નબળી જણાતા મેડીકલ કરાવાયું હતું. જેમાં તેને 400 પ્લસ ડાયાબિટીસ અને સ્વાદુપિંડની બીમારીથી પણ હોવાનું બહાર આવ્યું હતું. હેવી સુગર સહિતની બીમારી અને ઉપરા છાપરી ગુનાઓ નોંધાતાં નાસતા ફરતા રહેવાના કારણે તેની તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવો પડ્યો હતો. અહીં તબીબો ડિસ્ચાર્જ આપે એટલે ધરપકડ કરવામાં આવશે. ધરપકડ બાદ તેની પૂછપરછમાં યાત્રાના નામે કરાયેલા ચીટિંગ અંગેનું ચિત્ર સ્પષ્ટ થશે.