દેશમાં યોજાયેલી 3 લોકસભા અને 7 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. યુપીના રામપુર અને આઝમગઢ લોકસભા સીટ પરથી ભાજપે જીત મેળવી છે. આઝમગઢ એ સમાજવાદી પાર્ટીનો ગઢ ગણાય છે. સપાના ગઢને સર કરી ભાજપાએ સીમાચિહ્નરુપ વિજય નોંધાવ્યો છે.
રામપુરમાં ભાજપના ઘનશ્યામ લોધીએ સપાના ઉમેદવાર અસીમ રાજાને 42,000થી વધુ મતોથી હરાવ્યા હતા. રામપુર બેઠક આઝમખાનના રાજીનામાથી અને આઝમગઢ બેઠક અખિલેશના રાજીનામાથી ખાલી પડી હતી. બંને બેઠકો અગાઉ સપા પાસે હતી. આ બંને બેઠકો ભાજપે છીનવી લીધી છે. પંજાબની સંગરુર બેઠક પર શિરોમણી અકાલી દળ-અમૃતસરના સિમરનજીત સિંહ માન માં 5,822 મતોથી જીત્યા. આમ આદમી પાર્ટીના ગુરમેલ સિંહ બીજા અને કોંગ્રેસના દલવીર ગોલ્ડી ત્રીજા ક્રમે આવ્યા હતા. અહીં અકાલી દળ અને ભાજપના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઈ ગઈ છે.

સાતેય વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. આ બેઠકો માટે 23 જૂને મતદાન થયું હતું. જેમાં AAPએ દિલ્હીની રાજેન્દ્ર નગર સીટ પર જીત મેળવી છે. ત્રિપુરામાં ભાજપને 4માંથી 3 અને કોંગ્રેસને 1 બેઠક મળી છે. આંધ્રપ્રદેશની આત્મકુર સીટ પર YSR કોંગ્રેસે જીત મેળવી છે. ઝારખંડમાં મંદાર સીટ પર કોંગ્રેસનો વિજય થયો છે. ત્રિપુરામાં, અગરતલા, બોરદોવલી ટાઉન અને સૂરમાના ભાજપના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું, જ્યારે જુબજાગરના સીપીઆઈ (એમ) ધારાસભ્યનું અવસાન થયું હતું. એમ કુલ 4 બેઠક ખાલી પડી હતી. આમાંથી 3 બેઠક પર ભાજપ અને 1 બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે. સીએમ માણિક સાહાએ બોરદોલી ટાઉનથી કોંગ્રેસના આશિષ કુમાર સાહાને હરાવ્યા હતા. માણિક 6,104 મતોથી જીત્યા. ભાજપના પૂર્વ ધારાસભ્ય સુદીપ રોય બર્મન કોંગ્રેસની ટિકિટ પર અગરતલા બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા. જુબ્રજાગર બેઠક પરથી ભાજપના મલિના દેબનાથની જીત થઈ છે અને સૂરમા સીટ પરથી બીજેપીના સ્વપ્ન દાસનો વિજય થયો છે.