કટ પ્રેક્ટિસ એ મેડિકલ ફિલ્ડમાં કોઇ નવી વાત નથી. ફાર્મા કંપનીઓ તેમની દવાઓ લખી આપવા સામે તબીબોને મોટું કમિશન, ગિફ્ટ આપતી હોવાની બાબત પણ જગ વિદીત છે. સપ્લીમેન્ટ તરીકે તબીબો દ્વારા લખી અપાતી દવાઓ સામે તેઓ તગડી કમાણી કરતાં હોય છે. ભગવાનનો દરજ્જો જેમને આપવામાં આવ્યો છે એ તબીબોએ કોરાના કાળની કટોકટીમાં પણ કટ પ્રેક્ટીસની લાલચ છોડી ન હતી. આ સમયમાં માણસોની મજબૂરીનો ભરપૂર ગેરલાભ ઉઠાવી ચલાવાયેલી ઉઘાડી લૂંટથી સૌ વાકેફ છે. હવે ઇન્કમટેક્સ વિભાગે કંઇક એવા ખૂલાસા કર્યા છે કે આ વ્યવસાયની પવિત્રતા તેની ઉપર આંખ બંધ કરી મૂકાતા વિશ્વાસ ઉપર પ્રશ્નાર્થ મૂકાઇ જાય.

કોરોના મહામારી દરમિયાન અનેક લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા, તેમજ આ વાયરસના લક્ષણોમાં શરદી-ખાંસી, તાવ વગેરેનો સમાવેશ થતો હોવાના કારણે લોકોને તાવની દવા લેવા માટેની પણ જરૂરત ઊભી થતી હોવાના કારણે મોટા ભાગના ડોકટરો કોરોનાના દર્દીઓને DOLO-650 આપવામાં આવતી હતી. કોરોના મહામારી દરમિયાન તાવને ઓછો કરવાની પોપ્યુલર દવાનું નામ દરેકના મોઢા પર આવી ગયું હતું. આ બ્રાન્ડને બનાવનાર કંપની વિશે હવે એક મોટો ખુલાસો થયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે (CBDT) DOLO-650 દવા બનાવનારી કંપની સામે તેના ઉત્પાદનોને વધારો આપવાના બદલે ડોકટરો અને Medical Professionalsને લગભગ 1,000 કરોડ રૂપિયાની ફ્રીમાં ભેટ આપવાનો આરોપ લગાવ્યો છે.

આવકવેરા વિભાગે 6 જુલાઈના રોજ બેંગલુરુ સ્થિત માઈક્રો લેબ્સ લિમિટેડના નવ રાજ્યોમાં 36 જગ્યાઓ પર દરોડા પાડ્યા પછી આ દાવો કરવામાં આવ્યો હતો.
CBDTએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, દવા નિર્માતા કંપની સામે કાર્યવાહી પછી વિભાગે 1.20 કરોડ રૂપિયાની અઘોષિત રોકડ અને 1.40 કરોડ રૂપિયાના સોના અને હીરાના દાગીના જપ્ત કર્યા છે. આ સંબંધમાં માઈક્રો લેબ્સને મોકલાવવામાં આવેલા ઈ-મેલનો કંપનીએ હાલમાં કોઈ જવાબ આપ્યો નથી. CBDTએ કહ્યું, સર્ચ ઓપરેશન દરમિયાન, દસ્તાવેજો અને ડિજિટલ ડેટાના રૂપમાં નોંધપાત્ર ગુનાહિત પુરાવા મળ્યા છે અને તેને જપ્ત કરી લેવામાં આવ્યા છે.

બોર્ડના જણાવ્યા મુજબ, સબૂતો પરથી સંકેત મળે છે કે, ગ્રુપે પોતાના ઉત્પાદનો/બ્રાંડ્ને પ્રોત્સાહન આપવા માટે અનૈતિક પ્રથાઓને અપનાવી છે. આ પ્રકારના મફતના ગિફ્ટની રકમ આશરે 1,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. CBDTએ જો કે, હજુ પોતાના નિવેદનમાં ગ્રુપની ઓળખ નથી કરી, પરંતુ સૂત્રોએ પુષ્ટિ કરી છે કે આ ગ્રુપ માઇક્રો લેબ્સ જ છે.
સર્ચ અંતર્ગત એવું જાણવા મળ્યું છે કે, ગ્રુપે ઇન્કમના સંબંધમાં વિશેષ જોગવાઈઓ હેઠળ ખોટી કપાત દર્શાવી છે, આ રીતે લગભગ 300 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી કરવામાં આવી છે. સર્ચ ઓપરેશન દરમિયાન 1.20 કરોડ રૂપિયાની બિનહિસાબી રોકડ અને રૂ. 1.40 કરોડના સોના અને હીરાના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતો. માઇક્રોલેબ્સના Dolo 650એ COVID-19ના સમયગાળા દરમિયાન મોટી કમાણી કરી અને કંપની આ ક્ષેત્રમાં માર્કેટ લીડર બની ગઈ. કોરોનાના સમયગાળા દરમિયાન, મોટાભાગના લોકોના મોઢા પર DOLO – 650 રહેતી હતી.