હિન્દુંઓની આસ્થાનું કેન્દ્ર કાલિકા માતાજીના બિભત્સ પોસ્ટર બનાવવા અંગે ફિલ્મ નિર્માતા સામે ભારતભરમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ મામલે ભારતીય રાજદૂતે કેનેડા સરકાર સામે નારાજગી વ્યક્ત કરી ફરિયાદ પણ આપી હતી. ઓટ્ટાવા ખાતેના ભારતીય હાઈ કમિશને સોમવારે કેનેડિયન સત્તાવાળાઓને ટોરોન્ટોના આગા ખાન મ્યુઝિયમમાં (Aga Khan Museum Toronto) શોર્ટ ફિલ્મ “કાલી” સંબંધિત તમામ વાંધાજનક સામગ્રી દૂર કરવા વિનંતી કરી હતી, જેમાં હિંદુ દેવી કાલી ધૂમ્રપાન અને તેના હાથમાં LGBT સમુદાયનો ધ્વજ દર્શાવવામાં આવ્યો હતો. ત્યારે આગા ખાન મ્યુઝિયમે આ અંગે ખેદ વ્યક્ત કર્યો છે. ટોરોન્ટોના આગા ખાન મ્યુઝિયમે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ‘મ્યુઝિયમને ઊંડો અફસોસ છે કે ‘અંડર ધ ટેન્ટ’ પ્રોજેક્ટના ભાગરૂપે મ્યુઝિયમમાં દેવી કાલીની અપમાનજનક રજૂઆતથી હિન્દુ અને અન્ય ધાર્મિક સમુદાયોના સભ્યોનું અપમાન થયું છે.
વાસ્તવમાં, ઓટાવા ભારતીય હાઈ કમિશને ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈના ડોક્યૂમેન્ટ્રી પોસ્ટર સામે વાંધો (kaali poster controversy) ઉઠાવ્યો છે. આ પોસ્ટર રિલીઝ થયા બાદથી તે દેશ-વિદેશમાં વિવાદોમાં આવી ગયું છે. ભારતીય મૂળની કેનેડાની રહેવાસી લીના મણિમેકલઈએ આ ડોક્યુમેન્ટરીનું નિર્દેશન કર્યું છે. LGBT સમુદાયને સમર્થન આપતી આ ડોક્યુમેન્ટરીના પોસ્ટરમાં હિંદુ દેવી કાલી સિગારેટ પીતા દર્શાવવામાં આવ્યા છે. જ્યારથી આ પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ થયું છે ત્યારથી આ પોસ્ટરને લઈને વિવાદ ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયામાં પણ ઘણા લોકોએ લાગણીઓને ઠેસ પહોંચાડતા આ પોસ્ટરને હટાવવાની માંગ કરી છે.
ભારતમાં ઘણી જગ્યાએ મણિમેકલાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.. ટોરોન્ટો સ્થિત ફિલ્મ નિર્માતા લીના મણિમેકલાઈએ શનિવારે ટ્વિટર પર તેની શોર્ટ ફિલ્મ કાલીનું પોસ્ટર શેર કર્યું, જેમાં હિંદુ દેવી ધૂમ્રપાન કરતી અને તેના હાથમાં LGBTQ સમુદાયનો ધ્વજ પકડીને બતાવે છે. આ પોસ્ટર સામે આવ્યા બાદ મણિમેકલાઈ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. આટલું જ નહીં, સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ હેશટેગ અરેસ્ટ લીના મણિમેકલાઈ ટ્રેન્ડ થવા લાગ્યો. ઘણી જગ્યાએ મણિમેકલાઈ વિરુદ્ધ ફરિયાદો પણ દાખલ કરવામાં આવી હતી.