મહારાષ્ટ્ર રોડવેઝની એક બસને મધ્યપ્રદેશમાં એક ગોઝારો અકસ્માત નડ્યો છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ધામનોદ ખલઘાટમાં મુસાફરોથી ભરેલી બસ પુલની રેલિંગ તોડીને નર્મદા નદીમાં પડી ગઇ છે. બસ પર ડ્રાઇવરે સંપૂર્ણ કાબૂ ગુમાવતા બસ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. આ દુર્ધટનામાં 13 જેટલા પ્રવાસીઓના મોત નીપજ્યાના પ્રાથમિક અહેવાલ બહાર આવ્યા છે.

પુલની રેલિંગ કોડી નર્મદા નદીમાં ખાબકેલી આ બસ મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની હતી. આ બસ ઈન્દોરથી મહારાષ્ટ્ર જઈ રહી હતી. બસ નદીમાં ખાબકતા જોઈ ઘાટ પર હાજર લોકો અને નાવિકો નદીમાં તરત જ બસ પાસે પહોંચીને મુસાફરોને બચાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. અહેવાલ અનુસાર નર્મદા નદીમાંથી અત્યાર સુધીમાં 13 લોકોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલુ છે. આ ઘટનામાં 15 લોકોને બસમાંથી કાઢીને બચાવી લેવામાં આવ્યા છે અને જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તંત્ર દ્વારા બસને ક્રેનની મદદથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઈન્દોરના કમિશનર અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. બસે ખલઘાટ પર 10 મિનિટનો બ્રેક લીધો હતો. આગળ જતાં ખોટી દિશામાંથી આવતા વાહનને બચાવવા રેલિંગ તોડી નદીમાં પડી હતી તેમ સૂત્રોએ જણાવ્યું છે. જો કે વરસાદના કારણે બચાવ કાર્ય મુશ્કેલ બની રહ્યું છે. ઈન્દોરના સરવટે બસ સ્ટેન્ડ પરથી 12 મુસાફરો ચડ્યા હતા. CM શિવરાજ સિંહ ચૌહાણે આ બસ દુર્ઘટનાની નોંધ લીધી છે. તેમણે ઘટના સ્થળે SDRF મોકલવા સૂચના પણ આપી છે. મુખ્યમંત્રી સતત ખરગોન, ઈન્દોર જિલ્લા વહીવટીતંત્રના સંપર્કમાં છે.