છેલ્લા ત્રણેક દિવસથી ચાલી રહેલા અનેક અટકળો અંતે સાચી ઠરવા જઇ રહી છે. સાથી મંત્રીઓના રાજીનામાના દોર વચ્ચે મળતી માહિતી પ્રમાણે બ્રિટનના વડાપ્રધન બોરિસ જોન્સન ટૂંક સમયમં પોતાના પદેથી રાજીનામું આપશે. રોઈટર્સના અહેવાલ અનુસાર આજે મોડી સાંજે બ્રિટનના વડાપ્રધાન રાજીનામું આપી શકે છે. છેલ્લા 48 કલાકમાં બ્રિટન મંત્રીમંડળના 5 મંત્રીઓ સહિત 39 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન જોનસન પર પદ છોડવાનું દબાણ વધી ગયું હતુ.
બોરિસ જોન્સન સરકાર પર બે મહિનામાં બીજી વખત સંકટના કાળા વાદળો છવાયા બાદ ગતરોજ સરકારના આધાર ગણાતા ભારતીય મૂળના મંત્રી ઋષિ સુનક અને પાકિસ્તાન મૂળના સાજિદ જાવિદે છેડો ફાડી નાંખ્યો હતો. નજીકના સાથી કહેવાતા મંત્રીઓએ પણ રાજીનામા આપી દેતાં હવે બોરિસની સરકાર હાલકડોલક થઈ રહી હતી. નાણાકીય સેવામંત્રી જ્હોન ગ્લેન, રક્ષામંત્રી રિચેલ મેક્લિએન, નિકાસ અને સમાનતા મંત્રી માઈક ફ્રીઅર, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ જુનિયર મિનિસ્ટર નીલ ઓબ્રાયન, શિક્ષણ વિભાગના જુનિયરમંત્રી એલેક્સ બુર્ઘટ સહિત 39 લોકોએ જોનસન પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરીને રાજીનામું આપી દીધું છે.
બ્રિટનના રાજકારણમાં જે ઉથલપાથલ થઈ છે તેનાથી કેટલાક સવાલો પણ ઉભા થાય છે. ત્યાં આગળ શું થશે? જો જોનસન રાજીનામું આપે તો નવા વડા પ્રધાનની પસંદગી કેવી રીતે થશે? પાર્ટીગત મામલે છેલ્લા મહિને જ બોરિસ જોનસને વિશ્વાસ મત જીત્યો હતો. કન્ઝર્વેટિવ પાર્ટીના નિયમો પ્રમાણે 12 મહિના સુધી તેમની સામે બીજો અવિશ્વાસ પ્રસ્તાવ નહીં લાવી શકાય. આ વચ્ચે હવે જોનસનની જ પાર્ટીના કેટલાક સાંસદો ઈચ્છે છે કે, 12 મહિનાના આ ઈમ્યુનિટિ પિરિયડને ઘટાડવામાં આવે અથવા સમાપ્ત કરવામાં આવે. કેટલાક સાંસદો એવા છે જે કેબિનેટના બાકીના મંત્રીઓને અપીલ કરી રહ્યા છે કે, તેઓ પણ મંત્રીઓની જેમ રાજીનામું આપી દે. આનો સીધો ઈરાદો બોરિસને રાજીનામું આપવા માટે મજબૂર કરવાનો છે. આવી સ્થિતિમાં જો બોરિસ જોનસન બહુમત ગુમાવે છે તો તેઓ રાજીનામું આપીને ફરીથી ચૂંટણી એલાન પણ કરી શકે છે.
આવી સ્થિતિમાં બોરિસ જોનસન પાસે 3 ઓપ્શન છે.
- જોનસન જ નિર્ણય કરશે કે, તેમણે રાજીનામું આપવું કે નહીં. અનેક મંત્રીઓએ તેમના પણ દબાણ વધાર્યું છે પરંતુ તેમણે હજું સુધી કોઈ નિર્ણય નથી કર્યો.
- કેટલાક વધુ મંત્રીઓએ રાજીનામું આપવું જોઈએ અને જોનસનને ખુરશી છોડવાની માંગ કરવી જોઈએ. અહેવાલ પ્રમાણે ટૂંક સમયમાં કેટલાક વધુ મંત્રીઓ કેબિનેટ છોડશે.
- પાર્ટીના 12 મહિનાન ઈમ્યુનિટિ વાળા નિયમને બદલવામાં આવે જેના વિશે અનેક મંત્રીઓએ સૂચન કર્યું છે.