*** કોઇની સામે ઝૂકતા નહીં, આપઘાત કરી લેજો એવું કહેનાર ચોવટિયા કંઇ મજબૂરીમાં ઝૂકી ગયો એ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો
સુરત, તા. 16 માર્ચ…
મોટા વરાછામાં રહેતા બિલ્ડર અશ્વિન ચોવટિયાએ અમદાવાદમાં ઝેર ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યાની ખૂબ જ ચર્ચાસ્પદ બનેલી ઘટનામાં વધું એક વળાંક આવ્યો હતો. જાણીતા બિલ્ડર જયંતી ઇકલેરા સામે ગંભીર આરોપોના કારણે હાઇપ્રોફાઇલ બની ગયેલી આ મેટરમાં અપેક્ષા અનુસાર જ સમાધાન થઇ ગયું છે. ઇકલેરાએ હાઇકોર્ટમાં દાખલ કરેલી કન્સર્ન ક્વોસિંગ પીટીશન મંજુર કરાતાં હવે આ કેસની તપાસમાથી તેમને બાકાત રાખવામાં આવશે.

મળતી માહિતી અનુસાર સુરતના સીમાડે મોટા વરાછામાં રહેતા અશ્વિન ચોવટિયા છેલ્લા 18 વર્ષથી સિદ્ધેશ્વર કોર્પોરેશનના નામે જમીનનો ધંધો કરે છે. ગત બીજી માર્ચના રોજ ચોવટિયાએ એક વિડિઓ બનાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. બિલ્ડર અશ્વિન ચોવટિયાએ તેમણે આપવો પડે કે આપઘાત કરવો પડે એવી સ્થિતિ કયા સંજોગોમાં કોના કારણે ઉભી થઇ એ અંગે લખેલી સ્યૂસાઈડ નોટ પણ લખી હતી. જેમાં અવધ ગ્રુપના ભાગીદાર જયંતિ ઇકલેરા અને તેની ગેંગ આ સ્થિતિ માટે જવાબદાર હોવાનો સનસનીખેજ આરોપ મૂકાયો હતો.

આ મામલે સરથાણા પોલીસે ગુડ્ડુ પોદ્દાર (રહે, વેસુ), જીગ્નેશ સખિયા (રહે, વેસુ), જયંતિ બાબરિયા (રહે, રીવર વ્યૂ હાઇટ્સ, મોટા વરાછા) પરેશ વાડદોરિયા, રજની કાબરિયા, ઘીરુ હીરપરા સામે ઇપીકો કલમ 384, 387, 506(2), 114, મની લોન્ડરિંગ એક્ટ 33(3), 40, 42(ઘ) મુજબ ગુનો નોંધ્યો હતો. જોકે આ ઘટનામાં મોટા માથાઓ સામે આરોપ મૂકાયો હોવા સાથે તે ભારે ચર્ચાસ્પદ બની હોવાથી તેની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી હતી. આ સીટ ફરિયાદીના નિવેદન નોંધવામાં વ્યસ્ત રહી એ દરમિયાન મુખ્ય આરોપી તરીકે ચિતરાયેલા જયંતી ઇકલેરાએ પિક્ચર બદલી નાંખ્યું હતું.

આ કેસ માત્ર સુરત જ નહીં રાજ્યભરમાં ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. જયંતી ઇકલેરા મોટાગજાના બિલ્ડર હોવાથી હાઇપ્રોફાઇલ બની ગયેલા આ કેસમાં પોલીસ તેમના સુધી પહોંચે એ પહેલા તેઓ મેટર વાઇન્ડઅપ કરાવી દેશે એવી ચર્ચા પણ શરૂ થઇ હતી. રિઅલ એસ્ટેટ ક્ષેત્રે ઉઠેલી આ ચર્ચા આજે સાચી સાબિત થઇ છે. જયંતી ઇકલેરાએ એડવોકેટ ડો.શૈલેષ આર પટેલ મારફત હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટીશન દાખલ કરી હતી. આ પીટીશનમાં ફરિયાદી અશ્વિન ચોવટિયા તરફથી એફિડેવીટ મૂકાઇ હતી. જેમાં જયંતિ ઇકલેરા સામેના આરોપો પરત લેવાયા હતાં. આ કન્સર્ન ક્વોશિંગ પીટીશન હાઇકોર્ટે મંજુર રાખતાં હવે આ કેસની કાર્યવાહીમાંથી પોલીસે જંયતી ઇકલેરાને બાકાત રાખવા પડશે.

*** પ્રકાશ લીંબાસિયાની પાર્ટ પેમેન્ટની ડાયરીઓ ખરીદનારાઓમાં પણ જંયતી ઇકલેરા સામેલ
લીંબાસીયા સાથે મોટા વરાછામાં એમ્પોરીયમ ગેલે પ્રોજેક્ટમાં હીરપરા પિતા-પૂત્રએ કરેલા 31.37 કરોડના સોદા પૈકી ટૂકડે ટૂકડે 8.91 કરોડ જ ચૂકવ્યા હતાં. જ્યારે પોદ્દાર અને સલૂજાએ કરેલા 10.71 કરોડના સોદામાં 60 લાખ જ ચૂકવાયા હતાં. પૂરતી કિંમત ચૂકવ્યા વિના તેમણે ડાયરીઓ વેચી મારી હતી. ખરીદનારાઓએ ડાયરીના આધારે મિલકતનો દસ્તાવેજ બનાવી આપવા દબાણ કરવા માંડ્યું હતું. જો કે તેના મૂળ ખરીદારોએ પૈસા ચૂકવ્યા ન હોવાથી લીંબાસિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અંજની ઉર્ફે ગુડ્ડુ પ્રદીપ પોદ્દાર, મધુસુદન સત્યનારાયણ દરક, ગૌરવ ભોલારામ સલુજા, ધીરૂ મનજીભાઇ હીરપરા, શ્રેયર ધીરુભાઈ હિરપરા, રજની બાલુભાઇ કાબરિયા સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો હતો. પ્રકાશ લીબાસીયા સાથે કરાયેલા 42.12 કરોડના સોદામાંથી 32.61 કરોડ રૂપિયા હીરપરા, પોદ્દાર અને સલૂજાએ ચૂકવ્યા ન હતાં. માત્ર ટોકન આપી બનાવાયેલી ડાયરીના આધારે એ ફ્લેટ, મકાન અને દુકાનો બીજાને વેચી દીધી હતી.
આ ટોળકી પાસેથી ડાયરીઓ ખરીદનારામાં જયંતિ ઇકલેરા, લાલજી પટેલ, યોગેશ અગ્રવાલ, અનિલ ભગત, ઈશ્વર સવાણી, અશોક અમીપરા ઉર્ફે લોકા, જેનીસ પરસાણા વિગેરેનો સમાવેશ થાય છે. બિલ્ડર અશ્વિન ચોવટિયાને ડાયરીના આધારે દસ્તાવેજ કરી આપવા માટે કરાયું એવું દબાણ લીંબાસિયા પર પણ લવાયું હતું. તેમણે ફરિયાદ આપી પરંતુ એમાં ઇકલેરા એન્ડ કંપની આરોપી નહીં સાક્ષી બનાવી દેવાયા છે.