વડોદરાના સોનારકુઇ ગામ નજીક આવેલા અમીન ઓર્ચિડ ફાર્મના માલિક, બિલ્ડર અને ઉદ્યોગપતિ હરીશ દાદુભાઇ અમીનનું બે મહિના અગાઉ રહસ્યમય રીતે મોત થયું હતું. જેમાં સિંઘરોટ રોડ પરની મીની નદી નજીક વહેલી સવારે તેઓની ઇકો કાર ભેદી સંજોગોમાં સળગી જતાં હરીશ અમીન જીવતા ભૂંજાઇ ગયા હતા. અતિ ચકચારી બનેલા રહસ્યમય બનાવમાં હરીશ અમીનનો તમામ વહીવટ સંભાળતા બે ભાઇઓએ રૂપિયા 91 લાખ પરત આપવા ન પડે તે માટે માલિક હરીશ અમીનને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનો પર્દાફાશ થયો છે. જિલ્લા પોલીસે આ બનાવમાં બે ભાઇઓ સહિત 6 વ્યક્તિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે આ બનાવ અંગેની સિલસીલાબદ્ધ વિગતો આપતા જણાવ્યું હતું કે, અમીન ઓર્ચિડ ફાર્મના માલિક હરીશ દાદુભાઇનું મોત મોટું કાવતરુ હોવાની કેટલાક લોકોએ શંકા જાહેર કરી હતી. આ મામલે SOG, LCB અને વડોદરા ગ્રામ્ય તાલુકા પોલીસની ત્રણેય ટીમ મળીને આ મામલાની ગુપ્ત તપાસ કરી રહી હતી. જેમાં મળેલી માહિતીના આધારે સમગ્ર પ્રકરણ ઉપરથી પડદો ઉંચકાયો છે.
ડીએસપી રોહન આનંદે વધુમાં જણાવ્યું હતું કે, હરીશભાઇ અમીન પાસેથી તેમનો નાણાંકીય વ્યવહાર સંભાળતાં ભરત માલવીયાએ 70 લાખ અને તેના ભઆિ પ્રવીણ માલવીયાએ 21 લાખ રૂપિયા લીધા હતા. આ રકમ પરત લેવા માટે હરીશભાઈ અમીન અવાર-નવાર ઉઘરાણી કરતા હતા. જેથી બંને ભાઇઓએ રકમ પરત આપવી ન પડે તે માટે હરીશભાઇની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું અને આ ષડયંત્રમાં ગામના ત્રણ વ્યક્તિઓ સુનિલ બારીયા, સોમા બારીયા અને સુખરામ ઉર્ફ શંભુ ડામોરને 15-15 લાખ રૂપિયા આપવાનું નક્કી કરીને લાવ્યા હતા. બનાવના દિવસે તમામ 6 ભેગા થયા હતા. પ્રવિણ માલીવાડ અને તેની પત્ની લક્ષ્મી માલીવાડ ઓર્ચિડ ફાર્મ પર રેકી કરવા માટે ગયા હતા. હરીશભાઇ આ ફાર્મમાં એકલા જ રહેતા હતા. આરોપીઓ દિવાલ કૂદીને અંદર પહોંચ્યા હતા. હરીશભાઇને પકડીને ઇકો ગાડીમાં બેસાડ્યા હતા. ફાર્મમાં રહેતા બંને ભાઇઓ અને અન્ય બહારથી આવેલા બે લોકો ગાડીમાં જ બેઠા હતા. આરોપીઓ અન્ય એક ગાડી પણ સાથે લાવ્યા હતા. જેમાં પેટ્રોલનો ડબ્બો પણ હતો.

આનંદે વધુમાં જણાવ્યું હતું કે, પહેલા આરોપીઓ હરીશ અમીનને શેરખીથી લઇને સિંધરોટ ગયા હતા. ત્યાં એક જગ્યાએ હરીશભાઇને ગાડીમાંથી ઉતારીને કોતરમાં લઇ ગયા હતા. પથ્થર અને લાકડાથી માર મારીને હરીશભાઇને બેભાન કરી દીધા હતા. હરીશભાઇ બે ભાન થયા બાદ ગાડીમાં બેસાડી નિકળી ગયા હતા. હરીશભાઇના મોતને અકસ્માતમાં ખપાવવા માટે રસ્તામાં ગાડીની એક્સિડેન્ટ કરાવીને એક મોટી પાઇપલાઇન સાથે ગાડીને અથડાવી દીધી હતી. આ દરમિયાન આરોપીઓ નીચે ઉતરીને હરીશભાઇને પાછળથી લાવીને આગળ ડ્રાઇવિંગ સીટ પર બેસાડી દીધા હતા. હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવા માટે આરોપીઓ અન્ય એક ગાડી સાથે લાવ્યા હતા. તેમાં પેટ્રોલ હતુ. આ પેટ્રોલ હરીશભાઇ બેઠા હતા તે ગાડીમાં નાખ્યું અને ગાડીને સળગાવી દીધી હતી. આ અકસ્માતમાં હરીશભાઇ ઇકો ગાડીમાં જ બળીને ભરથું થઇ ગયા હતા.
જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતુ કે, પોલીસે આ બનાવમાં એક મહિલા સહિત 6 લોકોની ધરપકડ કરી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, બે માસ પૂર્વે ઉદ્યોગપતિ હરીશ અમીનની હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ તંત્ર માટે પડકારરૂપ હતો. હરીશ અમીનની લાશ એટલી સળગી ગઇ હતી કે, પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટમાંથી કોઇ કડી મળી ન હતી. પરંતુ, જિલ્લા પોલીસ તંત્રની ટીમની ચાલી રહેલી ગુપ્ત તપાસમાં SOGના એ.એસ.આઇ. મુકેશભાઇ કંચનભાઇને મહત્વની કડી મળતા હરીશ અમીનના રહસ્યમય મોતનો પર્દાફાશ થયો છે. આ ઉપરાંત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ, SOG અને તાલુકા પોલીસની સંયુક્ત તપાસથી આ પડકારરૂપ બનાવનો ભેદ ઉકેલાયો છે.

**પકડાયેલા આરોપીઓ
પ્રવિણ જેનુભાઇ માલીવાડ (રહે. જ્ઞાનકુંજ ફ્લેટ, સેવાસી કેનાલ રોડ, વડોદરા (મુળ રહે. તાતરોલી માળા, મહોડી પોસ્ટસ તા. કડાણા, જી. મહિસાગર)
ભરત જેનુભાઇ માલીવાડ (રહે. ગુણવંતી પાર્ક, પંચામૃતની બાજુમાં ગોત્રી, મુળ રહે. તાતરોલી માળા, મહોડી પોસ્ટસ તા. કડાણા, જી. મહિસાગર)
લક્ષ્મી પ્રવિણભાઇ માલીવાલ (રહે. જ્ઞાનકુંજ ફ્લેટ, સેવાસી કેનાલ રોડ, વડોદરા (મુળ રહે. તાતરોલી માળા, મહોડી પોસ્ટસ તા. કડાણા, જી. મહિસાગર)
સોમા પર્વતભાઇ બારીયા (રહે. ભુખી ફળિયા, તા. કડાણા, જી. મહિસાગર)
સુનીલ રમેશભાઇ બારીયા (રહે. ભુખી ફળિયા, તા. કડાણા, જી. મહિસાગર)

**ઘરની રેકી કરી,દીવાલ કૂદી અંદર પહોંચ્યા, 2 કલાકમાં હત્યાને અંજામ આપી ઘટનાને અકસ્માતમાં ખપાવી..
*18 મેના રોજ રાતના સમયે ફાર્મમાં નોકર રજા પર હતો,બીજા કોઈ વ્યક્તિ હાજર છે કે કેમ તે માટે રાતે 1 વાગ્યાની આસપાસ લક્ષ્મીએ રેકી કરી હતી.
*હરીશ અમીન સિવાય ફાર્મમાં કોઈ ન હોવાનું જાણતા કાળા કલરની કારમાં આરોપીઓ ઓર્ચીડ ફાર્મ પહોચ્યાં.
*ફાર્મનો દરવાજો બંધ હોવાથી સોમા બારીયા દિવાલ કુદી અંદર પહોચી ગેટ ખોલ્યો.તમામ લોકો અંદર પ્રવેશ્યાં
*હરીશભાઈના રૂમનો દરવાજો ખોલી લક્ષ્મી અંદર ગઈ, ત્યાર બાદ પ્રવિણ,ભરત અને સોમો ગયા
*પ્રવિણ,ભરત,સોમા અને લક્ષ્મીએ હરીશ અમીનનું મોઢુ દબાવી અને ડુચો મારી બહાર લાવી તેમની ઈકો ગાડીમાં બેસાડી દિધા.
*ઈકો કાર ભરતે ચલાવી,પાછળની સીટમાં હરીશ અમીન, સોમો, પ્રવિણ અને સુખરામ બેઠા, બીજી કારમાં લક્ષ્મી અને સુનીલ હતા.
*કાર સિંધરોડ જવાના રોડ પર ઉભી રાખી, હરીશ અમીનને કોતરમાં લઈ જઈ તેમના માથામાં પથ્થર અને લાકડીના ફટકા મારતા બેભાન થયા
*હરીશને પાછળની સીટ પર બેસાડી યુ-ટર્ન મારી કાર લોખંડની પાઈપ સાથે અથાડી ઉભી કર્યા બાદ પ્રવિણ, સોમા અને ભરતે અમીનને આગળની સીટ પર બેસાડી દીધા.
*પ્રવિણે બીજી કારમાંથી પેટ્રોલ લાવી ગાડીની અંદર, ઉપર છાંટી અને તેમના શરીરે પેટ્રોલના પાઉચ બાંધી આગ લગાવી દિધી હતી.
*તમામ આરોપીઓએ મોબાઈલ સ્વિચ ઓફ કરી દિધા,પ્રવિણ,ભરત અને લક્ષ્મી પરત પોતાના ફ્લેટમાં આવી ગયા, બીજા ત્રણ વતન પરત આવ્યાં હતાં.