ક્રિપ્ટોકરન્સી હંમેશથી વાદ વિવાદનું કારણ રહી છે. અવાસ્તવિક ભાવ, ટ્રેડિંગ પધ્ધતિ, ગુનાઈત પ્રવૃત્તિમાં ઉપયોગ અથવા તો તેનું કારણ બનતી ક્રિપ્ટોકરન્સીને લઈ હવે નવો વિવાદ બહાર આવ્યો છે. આ વિવાદ શેરબજારની જેમ ઇનસાઈડ ટ્રેડીંગને લગતો છે. બે ભારતીય ભાઈઓ અને તેમના ભારતીય અમેરિકન મિત્ર પર અમેરિકામાં ક્રિપ્ટોકરન્સી ઇનસાઇડર ટ્રેડિંગ સ્કીમ ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પહેલી વખત આવો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ત્રણ જણે લાખો ડૉલર્સની ગેરકાયદે કમાણી કરી છે.
ઇશાન વાહી અને તેનો ભાઈ નિખિલ વાહી ભારતના નાગરિક છે. તેઓ સિયાટલમાં રહેતા હતા, જ્યારે તેમનો મિત્ર સમીર રામાની હ્યુસ્ટનમાં રહેતો હતો.
ન્યુ યૉર્કના દક્ષિણ જિલ્લાના ઍટર્ની ડેમિયન વિલિયમ્સ અને ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની ન્યુ યૉર્ક ફીલ્ડ ઑફિસના અસિસ્ટન્ટ ડિરેક્ટર ઇન્ચાર્જ માઇકલ જે. ડ્રિસ્કોલે આ આરોપો વિશે ગુરુવારે જાહેરાત કરી હતી. વાહી ભાઈ અને રામાની પર કૉઇનબેઝના એક્સચેન્જિસ પર લિસ્ટ થનારી ક્રિપ્ટો ઍસેટ્સ વિશે ગુપ્ત કૉઇનબેઝ માહિતીનો ઉપયોગ કરીને ક્રિપ્ટોકરન્સી ઍસેટ્સમાં ઇનસાઇડર ટ્રેડિંગ કરવા માટેની સ્કીમ દ્વારા કાવતરું અને છેતરપિંડી કરવાનો આરોપ છે.
સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશને પણ આ ત્રણેયની વિરુદ્ધ ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ મૂક્યો હતો. વાહી ભાઈઓની સિયાટલમાંથી ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી અને વૉશિંગ્ટનમાં યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેમને રજૂ કરવામાં આવશે. રામાની અત્યારે ભારતમાં હોવાનું મનાય છે.
રામાની અને ઇશાન વાહી ઓસ્ટિનમાં યુનિવર્સિટી ઑફ ટેક્સસમાં એક જ સમયે હતા અને તેઓ પાકા મિત્રો હતા.
ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે ‘ક્રિપ્ટોકરન્સીમાં ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ પહેલી વખત આ ત્રણની વિરુદ્ધ મૂકવામાં આવ્યો છે. આ લોકોએ ઓછામાં ઓછી ૨૫ જુદી-જુદી ક્રિપ્ટો ઍસેટ્સમાં ગેરકાયદે ટ્રેડિંગ કરીને અંદાજે કુલ ૧૫ લાખ અમેરિકન ડૉલર (૧૧.૯૮ કરોડ રૂપિયા)ની કમાણી કરી છે.’
વિલિયમ્સે કહ્યું હતું કે ‘આ આરોપોથી પુરવાર થાય છે કે વેબ૩ (બ્લૉકચેઇન ટેક્નૉલૉજી પર આધારિત) કાયદાથી પર નથી. ગયા મહિને એનએફટીને સંબંધિક ઇનસાઇડર ટ્રેડિંગનો પહેલો કેસ આવ્યો હતો. આ આરોપો વિશે અમારો મેસેજ સ્પષ્ટ છે કે ફ્રૉડ એ આખરે ફ્રૉડ છે, પછી એ બ્લૉકચેઇન પર થાય કે વૉલ સ્ટ્રીટ પર.’