સુરત, તા. 27 માર્ચ…
નવસારી જીલ્લાના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલી પટેલ પરિવારની પાંચ વર્ષની બાળકીને માથામાં ગોળી મારી મોતને ઘાટ ઉતારનારા નરાધમને કોર્ટે 100 વર્ષ કેદની સજા ફટકારી છે. 2021માં ભારતીય મૂળની પાંચ વર્ષની બાળકીના મૃત્યુ બદલ અમેરિકાના લ્યુઇસિયાનામાં 35 વર્ષીય વ્યક્તિને 100 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. શ્રેવપોર્ટના જોસેફ લી સ્મિથ નામના વ્યક્તિને મિયા પટેલની હત્યામાં દોષી ઠેરવ્યા બાદ સજા સંભળાવવામાં આવી છે.

આ ઘટના માર્ચ 2021માં અમેરિકાના લ્યુસિયાનામાં ઘટી હતી. પાંચ વર્ષીય મિયા પટેલ મોંકહાઉસ ડ્રાઈવ પર એક હોટેલના રૂમ બહાર રમી રહી હતી. આ દરમિયાન અચાનક તેને માથામાં ગોળી વાગી હતી. મિયાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાઈ અને સારવાર દરમિયાન ત્રણ દિવસ બાદ તેનું મૃત્યુ થયું હતું.
આ ઘટનાની તપાસમાં સામે આવ્યું કે, સુપર 8 મોટેલના પાર્કિંગમાં આરોપી સ્મિથનો એક વ્યક્તિ સાથે ઝગડો થઈ રહ્યો હતો. ઝગડા દરમિયાન સ્મિથે આ વ્યક્તિ ઉપર ફાયરિંગ કર્યું હતું પણ ગોળી તેને ન વાગતા બાજુના રૂમ પાસે રમી રહેલી મિયાને વાગી હતી.આખી ઘટનામાં માસૂન બાળકી વગર વાંકે મોતને ભેટી હતી. આ ઘટના બાદ પટેલ પરિવારને ગંભીર માનસિક આઘાત લાગ્યો હતો. પરિવારના સભ્યો ભાંગી પડ્યા હતાં.

મિયાના પિતા અમેરિકામાં હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ઘટના બની ત્યારે તેઓ સુપર 8 મોટેલના સંચાલનની જવાબદારી નિભાવી રહ્યા હતા અને પત્ની તથા બાળકો સાથે તે મોટેલમાં જ રહેતા હતા. વિમલ પટેલનો પરિવાર મૂળ નવસારીના અરક પારડી વિસ્તારના વાતની છે અને છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં રહે છે. બાળકીની હત્યા માટે શ્રેવપોર્ટના જોસેફ લી સ્મિથ સામે કેસ ચાવ્યો હતો. તેને મિયા પટેલની હત્યામાં દોષી ઠેરવ્યા બાદ સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે અલગ અલગ ધારાઓ હેઠળ સ્મિથને 100 વર્ષની સજા ફટકારી છે.