સુરત, 28 ફેબ્રૂઆરી…
દિલ્હી સુધી ચકચારી બનેલા સુરત પોલીસના કોન્સટેબલની સંડોવણી વાળા સીડીઆર કૌભાંડમાં મામલે હવે સુરત સાયબર સેલ પણ વિવાદમાં આવી છે.આ મામલે ડીસીપી ભાવના પટેલે નોંધાવેલી ફરિયાદની તપાસમાં સાયબર સેલ કોઇ ચોક્કસ કારણોસર ઢીલાશ દાખવી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. આ ફરિયાદમાં જેઓની સંભવિત સંડોવણી છે એમાં મિથુન ચૌધરી લાપતા છે, તો વિપુલ કોરડીયા જામીન પર મુક્ત થઇ બિન્દાસ્ત ફરી રહ્યો છે. મિથુનને પોલીસ શોધી રહી નથી, અને દિલ્હી પોલીસની ધરપકડ બાદ જામીન પર છૂટેલા વિપુલને પોલીસ પકડી રહી નથી. વિપુલની તપાસમાં આ રેકેટ અંગે ઘણા ચોંકાવનારા ઘટસ્ફોટ થાય એમ હોવાથી પોલીસ સમય પસાર કરી રહ્યાનું ચર્ચાવા માંડ્યું છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ દિલ્હી પોલીસે ડિટેક્ટીવ એજન્સીઓને ગેરકાયદેસર કોલ ડિટેઈલ રેકોર્ડ વેચવાના રેકેટને ઝડપી પાડી તેમની પૂછપરછ આરંભી હતી. આ તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હતા. ડિટેક્ટીવ એજન્સીને ગેરકાયદેસર રીતે કોલ ડિટેઈલ કાઢી આપનાર શખ્સ સુરત પોલીસનો હેડ કોન્સ્ટેબલ વિપુલ કોરડીયા નીકળ્યો હતો.
આ માહિતીના આધારે દિલ્હી પોલીસે વિપુલની ગત ઓગસ્ટ મહિનામાં ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસ વિપુલની સાથે ડીસીપી ઓફિસમાં નોકરી કરતાં મિથુન ચૌધરીને પણ ઉપાડી ગઇ હતી. જો કે મિથુન દિલ્હીથી પરત આવ્યો જ ન હતો.
આ સીડીઆર કૌભાંડમાં ડીસીપી ઝોન 2 ની ઓફિસની GSWAN આઈડીનો દુરુપયોગ કરી કોલ રેકોર્ડ ગેરકાયદેસર મેળવવાના પ્રકરણમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો છે.

તત્કાલીન ડીસીપી ( ઝોન 2 ) ભાવનાબેન પટેલે 25 ઓગષ્ટે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફાલસાવાડી સ્થિત મહિધરપુરા પોલીસ સ્ટેશનની ઉપર આવેલી તેમની કચેરીના GSWAN ઇમેઇલ આઇડીના યુઝરનેમ તથા પાસવર્ડ ગમે તે રીતે મેળવી અથવા હેક કરી તેમની જાણ અને સંમતિ વગર ઓપન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે તે ટેલીકોમ કંપનીના નોડલ ઓફિસરને કરવામાં આવતા ઇમેઇલમાં ટેક્સ ફોર્મેટમાં એડીટીંગ કરી ઇલેકટ્રોનીક રેકર્ડ સાથે ચેડા કરી ખોટી રીતે દિલ્હીના એક વ્યક્તિ તેમજ અન્યોના મોબાઇલ નંબરોની ખોટી રીતે કોલ ડીટેઇલ્સ મંગાવવામાં આવી હતી. આ અંગેની તપાસ સાયબર ક્રાઈમ શાખાના એસીપીને સોંપાઈ હતી.

આ ફરિયાદમાં સંભવિત આરોપી એવો વિપુલ દિલ્હી પોલીસની કસ્ટડીમાં હોવા છતાં હજી તેને લાવી પૂછપરછ કરાઈ ન હતી. હવે વિપુલ જામીન મુક્ત થઇ ગયો છે. તે બિન્દાસ્ત પણે ફરી રહ્યો છે. આમ છતાં ડીસીપી ની ફરિયાદ સંદર્ભે તેની તપાસ કરવામાં આવી નથી. જામીન પર મુક્ત થયેલા વિપુલને પકડવામાં આવતો નથી, જ્યારે દિલ્હીથી લાપતા થયેલા મિથુન ચૌધરીને શોધવામાં આવી રહ્યો નથી. આ સ્થિતિ કોઈ ચોક્કસ કારણોસર ઉભી કરાઈ હોવાની ચર્ચા પોલીસબેડામાં ચાલી રહી છે. નાક કાપનારી આ ઘટનામાં શરૂઆતથી જ સુરત પોલીસ બેકફૂટ પર જોવા મળી રહી છે. જો તટસ્થ તપાસ થાય તો ગરાસ લૂંટાય જાય એવું વલણ પોલીસ અધિકારીઓ અખત્યાર કરી રહ્યાનું પ્રતીત થઇ રહ્યું છે.