વડોદરા : માં કાલી જ્યાં નિવાસ કરતાં હોવાનું કહેવાય છે એ પાવાગઢ ધામની કાયાપલટ થઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18મી જૂને પાવાગઢ મંદિરમાં દર્શન અને પૂજન માટે જવાના છે, પણ આ જ દિવસે પાવાગઢના ઈતિહાસમાં એક સુવર્ણ અધ્યાય પણ જોડાવવા જઈ રહ્યો છે. સદીઓ બાદ માતાજીના મંદિરની ઉપર ધજા લહેરાવવામાં આવશે અને PM મોદીના હસ્તે ધજારોહણ કરવામાં આવશે.
પાવાગઢમાં 121 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર મંદિર પરિસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે તથા મંદિરમાં શિખરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. શિખર ન હોવાના કારણે મંદિરની ઉપર ધજા પણ ચડાવી શકાતી હતી નહીં. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર સદીઓ બાદ પાવાગઢના મંદિરમાં ફરીથી ધજા લહેરાશે અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. પાવાગઢ મંદિરની ઉપર બનાવવામાં આવેલ કોરિડોરમાં 2000 શ્રદ્ધાળુઓ આવી શકે તે રીતે નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ મંદિર સુધી પહોંચવા માટેની સીડીઓને પણ પહોળી કરી દેવામાં આવી છે.
નવનિર્મિત મહાકાળી મંદિરમાં ગર્ભગૃહ, કળશ અને ધજાદંડ સંપૂર્ણપણે સોનામાંથી બનાવવામાં આવેલ છે. મંદિરની ઉપર 7.5 કરોડ રૂપિયાના ખર્ચે કળશ અને ધજા દંડની સ્થાપના કરવામાં આવી છે જેની ઉપર PM મોદીના હસ્તે ધજા ચડાવવામાં આવશે.
નોંધનીય છે કે પાવાગઢમાં માતાજીના મંદિરનું શિખર સદીઓથી ખંડિત હાલતમાં હતું અને હિન્દુ માન્યતાઓ અનુસાર ખંડિત શિખરની ઉપર ધજા ચડાવી શકાય નહીં. જોકે હવે નવા મંદિરમાં ખૂબ જ ભવ્ય શિખર તૈયાર કરવામાં આવ્યું છે.
પાવાગઢમાં માતાજીના મંદિરની ઉપર જ એક દરગાહ આવેલ હતી જેના કારણે સદીઓથી ત્યાં શિખર બની શક્યું નહોતું. આ વિવાદ કોર્ટમાં પણ ગયો હતો, જોકે હવે વિવાદનો સુખદ અંત આવ્યો છે. શિખર સહિતના મુદ્દાઓનો વિવાદ ઉકેલાય જતાં હવે અહીં વિકાસ કહો કે સુવિધા વધારવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે, ધ્યાન કેન્દ્રિત કરાઇ રહ્યું છે. પાવાગઢની ઓળખ સમા દૂધિયા તળાવની આસપાસ બ્યૂટિફિકેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવનાર છે. આ ઉપરાંત અહીં આધુનિક સુવિધાથી સજ્જ અન્નક્ષેત્ર પણ ઉભું કરાઇ રહ્યું છે. રોપ વે બાદ માતાજીના મંદિર સુધી પહોંચવા માટેની ઉંચાઇ યાત્રાળુઓ, શ્રદ્ધાળુંઓ મુશ્કેલી વિના ઝડપથી પાર કરી શકે એ માટે હાઇસ્પીડ લીફ્ટનું ઇન્સ્ટોલેશન કરવાનું પ્લાનિંગ પણ થઇ ચૂક્યું છે. મંદિર પરિસરના વિકાસ બાદ માચી એરિયાને ડેવલોપ કરવામાં આવશે.