અમદાવાદ, કોરોના મહામારીની નવી લહેર રાજ્યને ફરી ભરડામાં લઈ રહી છે. ગુજરાતના મોટા શહેરો જ નહી તાલુકા લેવલે પણ કોરોનાના નવા કેસોમાં એકએક વધારો થઈ રહ્યો છે તેવામાં હવે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોરોના સંક્રમિત થયા છે. પટેલ કોરોના સંક્રમિત થતાં તેઓ હવે રથયાત્રામાં જોડાઇ શકશે નહીં, એટલું જ નહીં આ સ્થિતિના પગલે કેબિનેટની બેઠક પણ રદ કરી દેવામાં આવી હતી.
સામાન્ય રીતે મંગળવારનો દિવસ મુખ્યમંત્રી આમજનતાને મળતા હોય છે પરંતુ ગઈકાલે અચોક્કસ કારણોસર તેઓ કાર્યાલય પર આવશે નહીં તેવા સંદેશાની સાથે આજે બુધવારે યોજાનારી કેબિનેટની બેઠક રદ કરવામાં આવી હોવાના સચિવ કક્ષાએથી સંદેશો પાઠવતા પાટનગર વર્તુળમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
આજે સમગ્ર દિવસ દરમિયાન સરકાર કે ભાજપના કોઈ મોટા કાર્યક્રમો નથી કે ગુજરાતમાં કોઈ મહત્વની વ્યક્તિની પણ મુલાકાત નથી થઈ. એક સમયે મુખ્યમંત્રી અને પાટીલે પોતાની તમામ મુલાકાતોને કાર્યક્રમો રદ કરી ને સમય અનામત કરી દેતા અનેક તર્ક સર્જાયો છે.
ક્યાંક મુખ્યમંત્રીના સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ હોવાની વાતો પણ ચાલી રહી છે. ગઇકાલે મોડી રાત્રે મુખ્યમંત્રીને કોરોના થયો હોવાની આશંકા જતાવતા સંદેશાઓ પણ સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. કોઈ ચોક્કસ વ્યૂહાત્મક બાબતને લઈ ને ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પાર્ટી અધ્યક્ષ સી.આર.પાટીલ વચ્ચે મુખ્યમંત્રી નિવાસસ્થાને બંધબારણે બેઠક થઈ હોવાનું પાટનગરમાં ચર્ચાઈ રહ્યું છે.
રથાયાત્રામાં નહિ જોડાઈ શકે : આજથી અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ત્રણ દિવસના કાર્યક્રમની શરુઆત થવા જઈ રહી છે. રથયાત્રા પૂર્વે પરંપરા અનુસાર મુખ્યમંત્રીના હસ્તે ભગવાનના રથમાં પહિંદ વિધિ કરવામાં આવે છે આગલા દિવસે અને સવારે પણ વિશેષ પૂજા અર્ચનમાં પણ મુખ્યમંત્રી હાજરી આપી રહ્યા હોય છે પરંતુ હજુ સુધી સત્તાવાર રીતે કોઈપણ જાહેરાત નહીં થવાના કારણે અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે.