ચીને છેલ્લી ઘડીએ પાકિસ્તાની આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની પ્રતિબંધિત સૂચિમાં સામેલ કરવાના યુએસ-ભારતના પ્રસ્તાવને અવરોધિત કર્યો છે. યુએસ અને ભારતે સુરક્ષા પરિષદની અલ કાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ મક્કીને વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેર કરવા માટે સંયુક્ત ઠરાવ રજૂ કર્યો હતો. અમેરિકા પહેલા જ મક્કીને આતંકવાદી જાહેર કરી ચૂક્યું છે. મક્કી લશ્કર-એ-તૈયબાના નેતા અને 26/11ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોર હાફિઝ સઈદનો સંબંધી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની 1267 ISIL (Daesh) અને અલકાયદા પ્રતિબંધ સમિતિ હેઠળ મક્કીને વૈશ્વિક આતંકવાદી તરીકે જાહેરલ કરવા માટે એક સંયુક્ત ઠરાવ રજૂ કર્યો હતો, પરંતુ ચીને આ ઠરાવને પર વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. પાકિસ્તાનના મિત્ર દેશ ચીને ભૂતકાળમાં ઘણી વખત ભારત અને તેના સહયોગીઓ દ્વારા પાકિસ્તાની આતંકવાદીઓને સૂચિબદ્ધ કરવાના પ્રયાસોને અવરોધિત કર્યા છે.
ભારતે મે 2019 માં સંયુક્ત રાષ્ટ્રમાં એક મોટી રાજદ્વારી જીત હાંસલ કરી, જ્યારે વૈશ્વિક સંસ્થાએ પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને ‘વૈશ્વિક આતંકવાદી’ જાહેર કર્યો. આ કરવામાં ભારતને લગભગ એક દાયકાનો સમય લાગ્યો. UN સુરક્ષા પરિષદની 15 સભ્યોની સંસ્થામાં ચીન એકમાત્ર એવો દેશ હતો જેણે અઝહરને બ્લેકલિસ્ટ કરવાના પ્રયાસોને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાંચ રાષ્ટ્રો છે – યુએસ, બ્રિટન, ચીન, ફ્રાન્સ અને રશિયા જે કાયમી સભ્યો તરીકે છે. તેમની પાસે ‘વીટો’ નો અધિકાર છે એટલે કે જો તેમાંથી કોઈ પણ પરિષદના કોઈપણ ઠરાવની વિરુદ્ધમાં મત આપે તો તે ઠરાવ પસાર થતો નથી.