અમરનાથ ગુફાથી બે કિલોમીટર દૂર વાદળ ફાટ્યું છે. શુક્રવારે સાંજે ગુલમર્ગ નજીક વાદળ ફાટતાં અતિ ભારે વરસાદને પગલે અચાનક પુર આવ્યું હતું. અહીં પથ્થર અને કીચડ વહેવા માંડતાં ત્યાં યાત્રીઓ માટે બનાવાયેલા ચાલીસેક ટેન્ટને ભારે નૂકશાન પહોંચ્યું હતું. કેટલાક ટેન્ટ વહી ગયા તો કેટલાક ડટાઇ ગયા હતાં. આંખના પલકારે થયેલા આ દુર્ઘટનામાં પંદરથી વધુ યાત્રાળુંઓના મોત નીપજ્યા છે, જ્યારે ચાલીસથી વધું લાપતાં હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ત્યાં ઘણા લોકો ઘાયલ થયા છે. વાદળ ફાટવાની ઘટના અંગે જાણ થતાં જ એનડીઆરએફ (NDRF), એસડીઆરએફ (SDRF) અને અન્ય સહયોગી એજન્સીઓ સક્રિય થઈ છે. સ્થળ પર રાહત બચાવ કામગીરી હાથ ધરી હતી, જે આખી રાત ચાલી હતી.

વાદળ ફાટે ત્યારે કલાકમાં પડે છે 5 ઈંચ કરતા વધુ વરસાદ. જગતના સૌથી મોટા ક્લાઉડ બર્સ્ટનો રેકોર્ડ પણ છે ભારતના નામે છે.
અમરનાથ યાત્રા દરમિયાન વાદળ ફાટવા (ક્લાઉડ બર્સ્ટ) ની દુર્ઘટના નોંધાઈ છે. કેટલાક ભક્તોના મૃત્યુ પણ થયા છે. ભારતના પહાડી રાજ્યોમાં લગભગ દર વર્ષે આ રીતે વાદળ ફાટવાની ઘટના બનતી હોય છે. પહાડ પાસે વાદળ ભેગા થાય, એ પછી ભેજવાળી હવા વાદળોની આસપાસ આક્રમકતાપૂર્વક એકઠી થાય અને પછી પવન અચાનક પડી જાય. એટલે જાણે વાદળ તુટ્યુ હોય એમ તેમાંથી પાણીનો ધોધ વહી નીકળે.
વાદળ ફાટે ત્યારે કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ નોંધાતો હોય છે. થોડી મિનિટોમાં જ એટલું બધુ પાણી પડી જાય છે કે એ દિવસો સુધી ચાલે. જોકે પહાડી વિસ્તાર હોવાથી મોટા ભાગે પાણી વહી જાય છે. પહાડી વિસ્તારમાં આટલો બધો વરસાદ પડે ત્યારે મોટી ખાનાખરાબી સર્જાયા વગર રહેતી નથી. કેમ કે પાણી વહેતું થાય ત્યારે ઢોળાવમાં કે તળેટીમાં જે કોઈ વસાહત હોય તેને તણાઈ જતી રોકી શકાતી નથી. વળી વાદળ ફાટવાની ઘટના એટલી બધી ઝડપી હોય છે કે ત્યાંથી બચી નીકળવું શક્ય બનતું નથી.

અમરનાથમાં પણ બાબા અમરનાથની ગુફા પાસેથી જ પાણી વહી નીકળ્યું હતુ. એટલે દર્શન માટે રાહ જોતા ભક્તો તંબુમાં જ હતા ત્યાં પાણી પહોંચી ગયુ હતું. ભારતમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર વગેરે રાજ્યોમાં નિયમિત રીતે વાદળ ફાટવાની ઘટના બને છે.
વાદળ ફાટવાની ઘટના મેદાની વિસ્તારમાં બનતી નથી. ઊંચાઈ પર અને ખાસ તો પહાડી વિસ્તારોમાં જ સર્જાતી હોય છે. ક્યારેક તો જે વાદળ ફાટે પંદર કિલોમીટર ઊંચુ હોય છે. વધુ ઊંચાઈથી વરસાદ પડે ત્યારે પાણીનું જોર પણ વધી જતું હોય છે. પર્વત ઉપરાંત રણ વિસ્તારમાં પણ વાદળ ફાટવાની ઘટના બનતી હોય છે. પરંતુ રણ વિસ્તારમાં ખાસ વસતી હોતી નથી માટે દુર્ઘટનાની પણ ખાસ નોંધ લેવાતી નથી.

2013માં ઉત્તરાખંડના કેદારનાથમાં હોનારત સર્જાઈ હતી અને 6 હજારથી વધારે લોકો માર્યા ગયા હતા તેની પાછળ વાદળ ફાટવાની ઘટના જ કારણભૂત હતી. 2005ની 26મી જુલાઈએ મુંબઈ પર વાદળ ફાટ્યું ત્યારે આઠેક કલાકમાં 950 મીલીમીટર કરતા વધારે વરસાદ પડ્યો હતો. 2010ના ઓગસ્ટમાં લેહમાં પણ વાદળ ફાટ્યું હતું. એ વખતે જ હવામાન શાસ્ત્રીઓએ ચેતવણી આપી હતી કે હવે વાદળ ફાટવાની ઘટના વધી રહી છે, માટે સાવધાન રહેવું જોઈએ. કેમ કે લેહ જેવા વિસ્તારમાં અગાઉ ક્યારેય વાદળ ફાટવાનો પ્રસંગ બન્યો ન હતો. વરસાદની રીતે જોઈએ તો વાદળ ફાટવાની સૌથી મોટી વૈશ્વિક ઘટનાનો રેકોર્ડ ભારતના નામે નોંધાયેલો છે. 1966ની 8મી જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં ગંગાના મેદાની પ્રદેશમાં 20 કલાકમાં 92 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આટલો વરસાદ આખી સિઝનમાં પણ પડતો હોતો નથી.
એક જમાનામાં એવુ માનવામાં આવતું આવતું હતું કે વાદળમાં ફુગ્ગાની જેમ પાણી ભરેલું હોય છે. એ ફુગ્ગામાં પંચર પડે અને ફાટે એટલે જમીન પાણી પાણી થઈ જાય. એ કલ્પનાના આધારે જ વાદળ ફાટવુ શબ્દ પ્રચલીત થયો છે.