અમદાવાદ ઃ શહેરમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નિકળી છે. ભારતમાં ઓરિસ્સાના પુરી બાદ સૌથી મોટી યાત્રા અમદાવાદની ગણાય છે. આ રથયાત્રા માટે મંદિર પ્રશાસન તથા સરકારી તંત્ર દ્વારા પુરતી તૈયારી કરી દેવામાં આવી હતી. આજે શુક્રવારે કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ વહેલી સવારે પરિવાર સાથે તેઓએ મંગળા આરતી કરી હતી. મંગળા આરતી માં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા.મંગળા આરતી બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ શરૂ કરી હતી. તેમણે આગેવાનો સાથે મળી દોરડું ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલને કોરોનાના હળવા લક્ષણો જણાતાં તેઓ તકેદારી ખાતર ક્વોરન્ટાઇન થઇ ગયા હતાં. આ સાથે જ મુખ્યમંત્રીના હસ્તે જ થતી પહિંદ વિધિ કોણ કરાવશે એવો પ્રશ્ન પણ ઉપસ્થિત રહ્યો હતો. આ અસમંજસની સ્થિતિમાં ભૂપેન્દ્ર પટેલ વહેલી સવારે નિયત સમયે જગન્નાથ મંદિરે પહોંચ્યા અને દર્શન, પૂજન સાથે પહિંદ વિધિ કરી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

અમદાવાદ થી જે રથયાત્રા નીકળે છે તેમાં છેલ્લા 31 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિંદ વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. આ વિધિને પહિંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. ગુજરાત રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ કરવામાં આવી હતી.

રથયાત્રા પહેલાં મંગળા આરતી થાય છે અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીના હસ્ત પહિંદ વિધિ કરાવવામાં આવે છે. આ વિધિ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા’ વિધિ પરથી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે રાજ્યના રાજા એ જગન્નાથજીના પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે પછી જ ભગવાન રથમાં બિરાજે છે. આ વિધિને શહેરમાં પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે.
સવારની મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવે છે, ત્યાર પછી સવારે રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરી અને પાણી છાંટે છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.