સુરત, તા. 18 માર્ચ…
કડોદરામાં ગૌચર જમીન બચાવવા માટે સુરત જિલ્લા કોંગ્રેસ મહામંત્રી જીજ્ઞેશ મોદી દ્વારા સરકારીતંત્ર સામે લડત ચલાવવામાં આવી રહી છે. કડોદરામાં ગૌચરની જગ્યા ઉપર ભૂમાફિયાઓએ કબજો જમાવી ગેરકાયદે બાંધકામ કરવા બાબતે સરકારી વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતાં આવ્યા છે. સરકાર જેને અતિ ગંભીરતાંથી લેવાનો દાવો કરી રહી છે એ લેન્ડગ્રેબિંગ જેવા આ મામલે પુરતા પુરાવા સાથે ફરિયાદ કરાવા છતાં અધિકારીઓ નક્કર પગલાં ભરવાના સ્થાને ખો ખો ની રમત રમી રહ્યા છે. હવે મોદીએ આ મામલે રાજ્યના તકેદારી આયોગમાં ફરિયાદ કરી છે. લેન્ડગ્રેબ્રિંગ કરનારા અને તેને સાથ આપનારા કે છાવરનારા અધિકારીઓ સામે પણ કાર્યવાહીની માંગ કરાતા સંબંધિતોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

પંચાયતથી માંડી મંત્રાલય સુધી કરાયેલી ફરિયાદનું નિરાકરણ આવ્યું નહીં હોવાનું કહેતાં જીજ્ઞેશ મોદીએ જણાવ્યું હતું કે ગૌચર બચાવવા માટે અન્ય વિરોધ પક્ષો અને માલધારીભાઇએ, સમાજ અને તેમના સંગઠનનો સાથ સહકાર મળ્યો છે. આ કોઇ વ્યક્તિગત લડાઇ નથી. જાહેર સરસંશાધનો કહો કે મિલકત ઉપર કબજો જમાવી દેનારા સમાજના ગુનેહગારો, તેમને પોષનારા, પ્રોત્સાહિત કરનારાઓ સામેનું આંદોલન છે.

સુરત જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને સામાજિક કાર્યકર જીગ્નેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે કડોદરામાં બ્લોક નંબર ૨૨૪,૨૨૫ વાળી ગૌચરની જમીન ઉપર ગેરકાયદે કબજો કરાયો છે. જમીન હડપ કરી લેનારાઓ દ્વારા અહીં ગેરકાયદે બિલ્ડીંગ તાણી બાંધવામાં આવ્યું છે. કોઇપણ જાતની પરવાનગી લીધા વિના સરકારી જમીન ઉપર તદ્દન ગેરકાયદે બિલ્ડીંગ બાંધનારાઓ સામે કાર્યવાહી માટે વારંવાર ફરિયાદ કરવામાં આવી છે. લેખિત અને દસ્તાવેજી પુરાવા સાથે ફરિયાદ છતાં સ્થાનિક તંત્રએ કાર્યવાહી નહીં કરતાં આ ગોબાચારી ગાંધીનગર મંત્રાલય સુધી પહોંચાડાઇ હતી. ગાંધીનગરથી વિકાસ કમિશનર દ્વારા ફરિયાદને ગંભીરતાંથી લઇ તાકીદે તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવા માટે લેખિત હુકમ કર્યો હતો.

ગૌચર માફિયાઓની મિલિભગત અથવા તો તેમના દબાણમાં વિકાસ કમિશનરના આ હુકમને પણ નહીં ગણકારનારા અધિકારીઓ સામે હવે આંદોલન જ એક માત્ર ઉપાય બચ્યો છે એવું મોદીનું કહેવું છે. મોદીએ વધું એક વખત કલેકટર, શહેર વિકાસ કમિશનર, મંત્રીઓ, સંત્રીઓ તથા સંબંધિત અધિકારીઓને ગૌચરની આ ગોબાચારી બાબતે પુરાવા સાથે વધું એક વખત લેખિત રજૂઆત, ફરિયાદ કરી છે. તેમણે કહ્યું હતું કે ગૌચર ઓહિયા કરવાનો કારસો રચનારા સામે કાર્યવાહી નહી કરવામાં આખરે અમારે રાજ્યના તકેદારી આયોગનો દરવાજો ખટખટાવવો પડ્યો છે.
પારદર્શી અને પ્રજાભિમુખ વહીવટની વાત કરતી ભાજપ સરકારમાં સરકારી જમીન બચાવવા માટે તકેદારી આયોગ સુધી ફરિયાદો કરવી પડે એ એ આપણા સૌની કમનીસીબી છે. સરકારની વાતો ગુલબાંગોથી વિશેષ કંઇ જ નથી. પુરતાં પુરાવા છતાં માફિયાઓને છાવરવા પડે એમાં તંત્રની કંઇ મજબૂરી છે એ સમજી શકાતુ નથી.