આઈપીએલને નવો ચેમ્પિયન મળ્યો છે. ગુજરાત ટાઇટન્સ IPL 2022 ની વિજેતા બની છે. ટીમે પ્રથમ મેચથી અત્યાર સુધી સતત સારું પ્રદર્શન કર્યું છે. ગુજરાત ટાઇટન્સ પ્રથમ વખત આઇપીએલમાં ભાગ લઇ રહી હતી અને પહેલા જ પ્રયાસમાં આ ટીમે મોટી-મોટી ટીમોને હાર આપી ઇતિહાસ સર્જી દીધો છે. ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સે આ નાનકડો ટાર્ગેટ 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને મેળવી લીધો અને માત્ર મેચ જ નહીં પરંતુ ટાઇટલ પણ જીતી લીધું. ગુજરાત ટાઇટન્સની ટીમમાં દરેક મેચમાં કોઇને કોઇ નવો હીરો જોવા મળ્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ આશિષ નેહરાએ પણ શાનદાર પ્રદર્શન કર્યું.
આ પહેલા નિર્ણાયક મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે પાવરપ્લેમાં એક વિકેટના નુકસાને 44 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓપનર યશસ્વી જયસ્વાલ 22 રન બનાવીને યશ દયાલનો શિકાર બન્યો, જેના કારણે તેની અને બટલરની વચ્ચે 24 બોલમાં 31 રનની ભાગીદારીનો પણ અંત આવ્યો. આ પછી જોસ બટલર અને કેપ્ટન સંજુ સેમસને ઇનિંગની આગેવાની લીધી હતી. ત્યારબાદ બટલર અને સુકાની સેમસને 7 ઓવર બાદ ટીમના સ્કોરને 50ની પાર પહોંચાડી દીધો હતો. ગુજરાતની ચુસ્ત બોલિંગના કારણે રાજસ્થાન અંત સુધી દબાણમાં રહ્યું હતું. પરિણામ એ આવ્યું કે 8.2 ઓવરમાં સુકાની હાર્દિકે સુકાની સેમસનને 14 રનમાં પેવેલિયન મોકલીને રાજસ્થાનને 60 રન પર બીજો ઝટકો આપ્યો હતો. આ પછી પણ રાજસ્થાનની વિકેટો પડતી રહી અને દેવદત્ત પડિકલ બે રન બનાવીને આઉટ થયો હતો. આગલી ઓવરમાં સુકાની હાર્દિકે જોસ બટલરને 39 રને આઉટ કર્યો હતો. જેના કારણે ટીમ સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગઈ હતી.
રાજસ્થાને 12.1 ઓવરમાં 79 રનમાં પોતાની ચાર મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. દરમિયાન શિમરોન હેટમાયર અને આર અશ્વિન પણ રન બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. તે જ સમયે, 15 ઓવરના છેલ્લા બોલ પર, હાર્દિકે હેટમાયરને 11 રન પર આઉટ કર્યો. ત્યારપછીની ઓવરમાં આર સાઈ કિશોરે અશ્વિનને 6 રનમાં પેવેલિયન મોકલી દીધો. રાજસ્થાને 96 રનની અંદર છ વિકેટ ગુમાવી દીધી હતી. સાત અને આઠમા નંબરે આવેલા રિયાન પરાગ અને ટ્રેન્ટ બોલ્ટે ટીમના સ્કોરને 100ની પાર પહોંચાડી દીધો હતો. પરંતુ 18મી ઓવરમાં બોલ્ટ (11)ને સાઈ કિશોરે આઉટ કર્યો હતો. 9મા સ્થાને આવેલા ઓબેદ મેકકોયે સાઈ કિશોરની બોલ પર સિક્સર ફટકારી હતી. તે જ સમયે, દયાલે 19મી ઓવરમાં માત્ર ત્રણ રન આપ્યા હતા. 20મી ઓવર બોલિંગ કરવા આવેલા મોહમ્મદ શમીએ પહેલા મેકકોય (8)ને સાત રનમાં રન આઉટ કર્યો હતો, ત્યારબાદ પરાગ (15)ને બોલ્ડ કર્યો હતો, જેના કારણે રાજસ્થાને નવ વિકેટના નુકસાને 130 રન બનાવ્યા હતા.