કડોદરામાં ગૌચરની જગ્યા ઉપર ભૂમાફિયાઓએ કબજો જમાવી ગેરકાયદે બાંધકામ કરવા બાબતે સરકારી વહીવટી તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતાં આવ્યા છે. સરકાર જેને અતિ ગંભીરતાંથી લેવાનો દાવો કરી રહી છે એ લેન્ડગ્રેબિંગ જેવા આ મામલે પુરતા પુરાવા સાથે ફરિયાદ કરાવા છતાં અધિકારીઓ નક્કર પગલાં ભરવાના સ્થાને ખો ખો ની રમત રમી રહ્યા છે. પંચાયતથી માંડી મંત્રાલય સુધી કરાયેલી ફરિયાદનું નિરાકરણ નહીં આવતાં સ્થાનિક કોંગ્રેસ અગ્રણીઓ હવે ગૌચરની જમીન બચાવવા ધરણાં પ્રદર્શન યોજવાની તૈયારી કરી રહ્યા છે. 25મી તારીખ સુધીમાં ગૌચર ચરી જનારાઓ સામે કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.

સુરત જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને સામાજિક કાર્યકર જીગ્નેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે કડોદરામાં બ્લોક નંબર ૨૨૪,૨૨૫ વાળી ગૌચરની જમીન ઉપર ગેરકાયદે કબજો કરાયો છે. જમીન હડપ કરી લેનારાઓ દ્વારા અહીં ગેરકાયદે બિલ્ડીંગ તાણી બાંધવામાં આવ્યું છે. કોઇપણ જાતની પરવાનગી લીધા વિના સરકારી જમીન ઉપર તદ્દન ગેરકાયદે બિલ્ડીંગ બાંધનારાઓ સામે કાર્યવાહી માટે વારંવાર ફરિયાદ કરવામાં આવી છે. લેખિત અને દસ્તાવેજી પુરાવા સાથે ફરિયાદ છતાં સ્થાનિક તંત્રએ કાર્યવાહી નહીં કરતાં આ ગોબાચારી ગાંધીનગર મંત્રાલય સુધી પહોંચાડાઇ હતી. ગાંધીનગરથી વિકાસ કમિશનર દ્વારા ફરિયાદને ગંભીરતાંથી લઇ તાકીદે તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવા માટે લેખિત હુકમ કર્યો હતો.

ગૌચર માફિયાઓની મિલિભગત અથવા તો તેમના દબાણમાં વિકાસ કમિશનરના આ હુકમને પણ નહીં ગણકારનારા અધિકારીઓ સામે હવે આંદોલન જ એક માત્ર ઉપાય બચ્યો છે એવું મોદીનું કહેવું છે. મોદીએ વધું એક વખત કલેકટર તથા સંબંધિત અધિકારીઓએ ગૌચરની આ ગોબાચારી બાબતે પુરાવા સાથે લેખિત રજૂઆત કરી છે. તેમણે કહ્યું હતું કે કાર્યવાહી નહી કરવામાં આવે તો 25 તારીખે અમો ગૌચરની જગ્યાએ જ આંદોલન શરુ કરીશું.
સરકારી જમીન હડપ કરનારાઓ સામેની ફરિયાદનો તાત્કાલિક નિકાલ નહી કરવામાં આવે તો આવતી ૨૫ તારીખે સુરત જિલ્લા મહામંત્રી શ્રી મનહરભાઈ પટેલ અમારા પ્રદેશના મહામંત્રી શ્રી દર્શનભાઈ નાયક અને મહામંત્રી જીગ્નેશભાઈ મોદી, કડોદરા તાલુકા પ્રમુખ ધર્મેશભાઈ તથા કોંગ્રેસના અગ્રણી કાર્યકરો સાથે ગૌચરની જગ્યાએ જ ઉપવાસ ઉપર બેસી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન હાથ ધરીશું. જેની રક્ષા માટે ભાજપ દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે એ ગાય માતા અને અન્ય અબોલ પશુઓ ચારો મળે એ માટે સરકાર દ્વારા જ અલાયદી રાખવામાં આવેલી જમીન માટે વિરોધ પક્ષે આંદોલન કરવું પડે એ અસહ્ય બાબત છે. આ સ્થિતિ શાસકોને અધિકારીઓ ગાંઠતાં ન હોવાની પ્રતિતિ પણ કરાવે છે.