અમદાવાદ: દેશની તિજોરી ઉપર પહેલો અધિકાર લઘુમતીઓનો… આ પ્રકારના ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે આપેલા નિવેદનનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજકીય માહોલ ગરમાવા સાથે હિન્દુવાદી સંસ્થાઓ તો રોડ ઉપર ઉતરી છે. બજરંગ દળના કાર્યકરોએ કૉંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે ગુરુવારે રાત્રે દેખાવો કર્યા હતાં. આ સાથે જ બજરંગ દળના કાર્યકરોએ કૉંગ્રેસ કાર્યાલયનું નામ બદલીને ‘હજ હાઉસ’ કરી દીધું હતું. કાર્યલય બહાર બજરંગ દળના કાર્યકરોએ શાહીથી ‘હજ હાઉસ’ લખી દીધું હતું તેમજ પોસ્ટર્સ (Congress Office) પણ ચીપકાવી દીધા હતા. આ ઉપરાંત કાર્યાલય બહાર લાગેલા વિવિધ નેતાઓના પોસ્ટર્સ પર કાળી શાહી લગાવી દીધી હતી.

બજરંગ દળના કાર્યકરોએ ગુરુવારે રાત્રે કૉંગ્રેસ કાર્યલય ખાતે પોસ્ટર લગાવ્યા હતા. આ સાથે પોસ્ટરમાં લખ્યું હતું કે, આજથી આ કાર્યાલયનું નામ બદલીને હજ હાઉસ રાખવામાં આવશે. આ સાથે બજરંગ દળના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. આ ઉપરાંત દીવાલ પર પંજાના નિશાન પર કાર્યકરોએ કાળી શાહી લગાવી દીધી હતી. કૉંગ્રેસ ભવનની દીવાલો પર બજરંગ દળના કાર્યકરોએ ઠેર ઠેર પોસ્ટર્સ ચીપકાવી દીધા હતા.
દીવાલો પર ચીપકાવવામાં આવેલા પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે કે, “ખાસ નોંધ- નામ બદલેલ છે. આજથી આ કાર્યાલયનું નામ “ગુજરાત કૉંગ્રેસ સમિતી”થી બદલીને “હજ હાઉસ” રાખેલ છે. લી. જગદીશ ઠાકોર. બજરંગ દળ – ગુજરાત”

ઉલ્બેલેખનીય છે કે, દિવસ પહેલા કૉંગ્રેસ લઘુમતિ વિભાગનું અમદાવાદ ખાતે સદભવના સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સમગ્ર ગુજરાત સમાજમાંથી મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ વખતે કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું કે, “કોંગ્રેસ પાર્ટી સત્તા માટે ક્યારે ચૂંટણી લડી નથી. કોંગ્રેસ સરકારના વડાપ્રધાન પહેલા પણ કહી ચૂક્યા છે કે દેશની તિજોરી પર મુસ્લિમ સમાજનો હક્ક છે. કૉંગ્રેસ પોતાની આ વિચારધારાથી ક્યારેય પીછેહઠ નહીં કરે.” બેઠકમાં જગદીશ ઠાકોરો વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 60 બેઠક પર મુસ્લિમ સમાજના મતો નિર્ણાયક સાબિત થાય છે. સંમેલન દરમિયાન જગદીશ ઠાકોરે જણાવ્યું કે, કૉંગ્રેસની સરકાર આવશે તો તેઓ લઘુમતિ સમાજના લોકોને ઘર બનાવી આપશે.