સુરત, તા.15 ફેબ્રૂઆરી…
વેલેન્ટાઇન ડે એટલે પ્રેમ અને પ્રેમીઓનો દિવસ. જો કે સોશિયલ મીડિયાના યુગમાં પ્રેમના નામે કરાતી હેરાનગતિનો ચોંકાવનારો કિસ્સો વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ કતારગામ પોલીસના ચોપડે નોંધાયો છે. અહીંના યુવકે તેની ગર્લફ્રેન્ડ પર વોચ રાખવા માટે તેણીની મોપેટમાં ટ્રેકર ફીટ કરી દીધું હતું. યુવતી જ્યાં જાય ત્યાં એ યુવક પહોંચી જતો હોવાથી શંકા જતાં મોપેટને ગરાજમાં ચેક કરાવાઇ ત્યારે આ ભાંડો ફૂટ્યો હતો.

કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ફૂલપાડા વિસ્તારમાં રહેતા વિપ્ર પરિવારની કાજલ ( નામ બદલ્યું છે) બરફીવાલા કોલેજમાં અભ્યાસ કરે છે. કાજલને ઇન્સ્ટાગ્રામ પર નિકુંજ નવીન પટેલ સાથે મિત્રતા થઇ હતી. નિકુંજ ફૂલપાડાના માછીવાડમાં રહેતો હોવાથી તેઓ અવાર નવાર મળવા માંડ્યા હતાં. નિકુંજ પ્રેમ અને લગ્નની વાતો કરવા માંડ્યો તો કાજલે ના પાડી હતી. અલગ જ્ઞાતિના હોવાથી સંબંધ શક્ય નથી એવી કાજલની વાત નિકુંજ પચાવી શક્યો ન હતો. 18મી જુલાઇના રોજ નિકુંજ બરફીવાલા કોલેજમાં ગયો અને કાજલને ધમકી આપી હતી કે જો તુ સંબંધ નહીં રાખે તો મારી પાસે આપણા જે વીડિયો છે એ વાઇરલ કરી દઇશ. તારૂ જીવવાનું હરામ કરી નાંખીશ.

નિકુંજ આ હદે જતાં કાજલે તેના ઘરે વાત કરી હતી. ત્યારબાદ મામલો નિકુંજના ઘર સુધી પહોંચ્યો હતો. નિકુંજના પરિવારે આ વાતનું સમાધાન કરી હવે તે હેરાન નહીં કરે, ફોન નહીં કરે એની ખાતરી, બાંહેધરી આપી હતી. જો કે પરિવારની આ બાંહેધરીને નિકુંજે અવગણી હતી. તે રોજ 150થી 200 જેટલા કોલ કાજલને કરતો હતો. આ દરમિયાન બનતું એવું કે કાજલ જ્યાં જાય ત્યાં નિકુંજ પહોંચી જતો હતો. એ સતત તેણીનો પીછો કરતો.

પોતે ક્યાં જઇ રહી છે એ નિકુંજને કંઇ રીતે ખબર પડી જાય છે એ પ્રશ્ને કાજલને મૂંઝવી હતી. કોઇકે તેણીને મોપેટમાં ટ્રેકર ફીટ કરાવી દીધું હશે એવી વાત કરતાં તે ગેરેજમાં ગઇ હતી. મોપેટ ચેક કરાવ્યું તો બોનેટમાં બેટરી પાસેથી જીપીએસ ટ્રેકર મળી આવ્યું અને કાજલ ચોંકી ઉઠી હતી. કાજલે આ ટ્રેકર કઢાવી નાંખ્યું તો નિકુંજ બુલેટ લઇ તેણીની કોલેજ પહોંચી જતો. ત્યાં આટા ફેરા મારવા લાગ્યો હતો. કાજલે તેને પીછો કરવાની ના પાડી તો તેણે ધમકી આપી હતી.
નિકુંજ આટલેથઈ અટકવ્યો ન હતો. તે કાજલના મહોલ્લામાં જઇ તેણીના ઘર સામે જ બુલેટ પાર્ક કરી બેસવા માંડ્યો હતો. કાજલની મમ્મીએ તેને જતા રહેવા તથા હેરાન નહીં કરવા જણાવ્યું તો તે નિકુંજે તેણી સાથે ઝઘડો અને ઝપાઝપી કરવા માંડી હતી. નિકુંજે હુમલો કરતાં કાજલની મમ્મીએ 100 નંબર પર કોલ કર્યો હતો. જો કે પોલીસ આવતા જ નિકુંજ નાસી છૂટ્યો હતો. નિકુંજ પટેલ કોલેજ કેમ્પસ અને ઘર આંગણે આવી પરેશાન કરવા માંડ્યો હોય આખરે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.