સુરત, તા.24 ફેબ્રૂઆરી…
ગોલ્ડ ટ્રેપમાં ફસાયેલા વેપારીને સ્મગલિંગના કેસમાં પૂરી દેવાની ધમકી આપી સાત લાખ પડાવી લેવાના બહુચર્ચિત પ્રકરણમાં અલથાણ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર ભરવાડ અને પીએસઆઇ ગોસ્વામીની ટ્રાફિક શાખામાં શિક્ષાત્મક બદલી કરી દેવાઇ છે. આ સાથે જ કાંડના મૂળમાં છે એ કોન્સટેબલ કુલદિપ દિલીપસિંહ તથા તેની સાથે રહેલા શૈલેષ ગંગારામને હેડક્વાટર બદલી સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંનેને ભૂતકાળ ખરડાયેલો છે. બંને ખાખીની આડમાં ગેકાનૂની કૃત્ય કરવાના આરોપમાં સસ્પેન્ડ થઇ ચૂક્યા છે.

મળતી માહિતી અનુસાર પરવત ગામ ના સફાયર બિલ્ડિંગમાં રહેતા અભિષેક વિનોદ અગ્રહરિ કાપડના વેપારી છે. અભિષેક તેના સાળા રાકેશ અગ્રહરીના કહેવાથી રામપુરા વિસ્તારમાં રહેતાં શરફૂદ્દીનને 35 લાખ ચૂકવી દાગીના લેવાના હતા. 16મી ડિસેમ્બરે શરફૂદ્દીનના પાર્ટનર કાંતિભાઈ એ વેપારીને કોલ કરી ભીમરાડ બોલાવ્યા હતા. મિત્ર રમેશભાઈ સાથે ત્યાં પહોંચેલા વેપારી સાથે સ્કેમ થયું હતું. અહીં આવેલા શખ્સે અભિષેક પાસે 35 લાખ તો લીધા પણ દાગીના આપ્યા વિના ફરાર થઇ ગયો હતો.

બ્રિઝા જતાં જ નંબર વગરની સ્વિફ્ટમાં કુલદીપ નામનો પોલીસવાળો આવ્યો અને બંનેને ભીમરાડ ચેકપોસ્ટ લઇ ગયો હતો. અહીં પીએસઆઇ ગોસ્વામી આવ્યા હતા. તેણે કોઈ સોનાના બિસ્કીટ જેવી વસ્તુ બતાવી અને કહયું કે તમારી પાસેથી આ મળી છે. તમારી ધરપકડ કરવી પડશે એમ કહી તમારા પરિચિતને બોલાવી લો એવું જણાવતા વેપારીએ તેના મિત્ર સુશીલ ઉર્ફે વિજયવાડાને બોલાવ્યો તો તે વકીલ મિત્ર હિતેશ શર્માને પણ સાથે લઇ આવ્યો હતો.

થોડા સમય બાદ કુલદીપ પોલીસવાળો આવ્યો અને સેટલમેન્ટની વાત કરી હતી. સાહેબ તો 15 માંગે છે પણ હું 6 લાખમાં પતાવી આપીશ એમ કહી કાર્યવાહી અને બદમાનીમી ધમકી પણ આપી હતી. આ વાતથી ડરેલા વેપારીના મિત્ર રમેશભાઇએ મનોજ નામના વ્યક્તિને કોલ કરી પૈસા મંગાવ્યા હતા. આ છ લાખ ઉપરાંત વેપારીની એક્ટિવાની ડીકીમાંથી 1 લાખ કાઢી લેવાયા હતા. સાત લાખ રૂપિયા પોલીસે પડાવ્યા અને દાગીના આપવાનું કહી ચીટરો 35 લાખ લઇ ગયા હતા. 42 લાખ ગુમાવી ચુકેલા વેપારીએ પોલીસ કમિશનરને મળી રજૂઆત કરતાં તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

કમિશનરે આ કેસની તપાસ ડીસીપી સાગર બાગમાર ને આપી હતી. બાગમારે વેપારી અભિષેક તથા તેની સાથે હતા એ વ્યક્તિઓને બોલાવી પૂછપરછ શરૂ કરતાં અલથાણ પોલીસના તોડબાજ પોલીસકર્મી દોડતાં થઇ ગયા હતા. તેમણે ગત રાતે વેપારીના મિત્ર સુશીલ ઉર્ફે વિજયવાડા હસ્તક મનોજને 6 લાખ પરત કરી દીધા હોવાનું પણ જાણવા મળે છે. ફોજદારી કાર્યવાહીથી બચવા માટે પોલીસકર્મીઓએ સેટલમેન્ટ માટે કરેલા દાવપેચ સફળ થયા હતા. 6 લાખ પડાવ્યા હોવાની વાતથી બધા ફરી ગયા હતા.

જો કે પ્રકરણમાં પીઆઇ ભરવાડ એચ. કે. ભરવાડ અને પીએસઆઇ ગોસ્વીમીની બેદરકારી જણાય આવતાં તેમની ટ્રાફિક શાખામાં બદલી કરી દેવામાં આવી છે. ભરવાડના સાથે અલથાણ પોલીસ મથકનો હવાલો ટ્રાફિક શાખાના બી. બી. કરપડાને સોંપવામાં આવ્યો છે. આ સાથે જ કાંડના મૂળમાં છે એ કોન્સટેબલ કુલદીપ દિલીપસિંહ તથા તેની સાથે રહેલા શૈલેષ ગંગારામને હેડક્વાટર બદલી સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.કુલદીપ આ અગાઉ ખટોદરા પોલીસ મથકમાં કસ્ટોડિયલ ડેથ કેસમા જેલવાસ ભોગવી ચૂક્યો છે. લાંબો સમય ફરજ મોકૂફ રહ્યા બાદ હાજર થયો અને ફરી આ કાંડમાં સપડાયો છે. શૈલેષ ગંગારામ પણ અડાજણ પોલીસ મથકમાં નાણાકીય લેવડ દેવડમાં મારવાડી દુકાનદારને પીસીઆર વાનમાં ઉપાડી જઇ માર મારવાના કેસાં સસ્પેન્શન ભોગવી થોડા સમય પહેલા જ હાજર થયો હતો.

** નકલી સોનું પધરાવી 35 લાખ પડાવી જવા અંગે ગુનો નોંધાશે..
અભિષેક વિનોદ અગ્રહરિએ તેના સાળા રાકેશ ઉર્ફે રાજુ અગ્રહરીના કહેવાથી રામપુરા વિસ્તારમાં રહેતાં શરફુદ્દીન અબ્દુલ હમીદ પાસે 35 લાખના દાગીના લેવાના હતાં. 12મી તારીખે શરફૂદ્દીને વેપારીને કોલ કરી જણાવ્યું હતું કે રાજુભાઇએ તમને દાગીના આપવા કહ્યું છે. મારા ભાગીદાર કાંતિભાઇ તમને કોલ કરીને આપની પાસે આવશે તમે દાગીના ચેક કરી તેને પેમેન્ટ કરી દેજો. ત્યારબાદ 16મી ડિસેમ્બરે કાંતિએ કોલ કરી ભીમરાડ બોલાવ્યા બોલાવતાં વેપારી તેના મિત્ર રમેશભાઇ સાથે ત્યાં પહોંચ્યા હતાં. અહીં કોઇ જોવા નહીં મળતાં વેપારીએ કાંતિને કોલ કર્યો તો તેણે હમણાં જ મારો માણસ આવશે એમ કહ્યું હતું.
ત્યારબાદ એક નંબર વગરની બ્રિઝા ગાડી હજીરા તરફથી આવી હતી. તેમાં બેસેલા વ્યક્તિએ અભિષેક ગાડીમાં બેસાડી પૈસા માંગ્યા હતા. પૈસા અપાયા એટલે તેને દાગીનાની બેગ બતાવાઈ હતી. ચાલો તમને દાગીના ચેક કરાવું એમ કહી તેઓ નીચે ઉતર્યા એટલે પૈસા લઇ બ્રિઝા ત્યાંથી જતી રહી હતી. વેપારી અભિષેકે 35 લાખ ચૂકવ્યા પણ દાગીના મળ્યા ન હતી. બ્રિઝા ગઇ એટલે સ્વિફ્ટમાં પોલીસ આવી અને તેમાં એમને ઉપાડી જવાયા હતાં. આ કેસમાં ગુનો નોંધવા ડીસીપી સાગર બાગમારે તજવીજ હાથ ધરી છે. આ ચિટિંગ નહીં પણ પૈસા પડાવવા માટે ગોઠવાયેલી ટ્રેપ હોવાનું તથા તેમાં પોલીસ પણ ઇન્વોલ્વ હોવાની શક્યતા સેવાઇ રહી છે.