ભારતની ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ ટુર માટે રવાના થઇ છે. ટી-ટ્વેન્ટી વર્લ્ડકપ અગાઉ આ ઇંગ્લેન્ડ પ્રવાસને મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. જો કે ઇગ્લેન્ડ પહોંચેલી આ ટીમમાં ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર અશ્વિન જોડાઇ શક્યો નથી. ટીમ સૂત્રોના કહેવા અનુસાર ભારતીય સ્પિનરને કોરોના થઈ ગયો છે, જેના કારણે અશ્વિન ઈંગ્લેન્ડ જવા માટે રવાના થઈ શક્યો નથી.
બીસીસીઆઈના સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને આ સમાચાર આપ્યા છે. અશ્વિન હાલમાં ક્વોરેન્ટાઇનમાં છે અને પ્રોટોકોલની તમામ આવશ્યકતાઓને પૂર્ણ કર્યા પછી જ તે ટીમમાં જોડાશે. ભારતીય ટેસ્ટ ટીમ 16 જૂને યુકે જવા રવાના થઈ હતી. અશ્વિનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તે ટીમ સાથે યુકે જઈ શક્યો નથી. પરંતુ આશા છે કે તે ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલા સમયસર સ્વસ્થ થઈ જશે.
તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 જુલાઈથી શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ રમાશે. જો કે ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમ લેસ્ટરશાયર સામે પ્રેક્ટિસ મેચ રમશે, પરંતુ અશ્વિન હવે આ પ્રેક્ટિસ મેચમાં ભાગ લઈ શકશે નહીં. બાકીની ટીમ પહેલેથી જ લેસ્ટરમાં છે અને તેણે બોલિંગ કોચ પારસ મ્હામ્બરે અને બેટિંગ કોચ વિક્રમ રાઠોરની દેખરેખ હેઠળ તાલીમ શરૂ કરી છે. રાહુલ દ્રવિડ, ઋષભ પંત અને શ્રેયસ અય્યર દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી પૂરી કરીને લંડન પહોંચી ગયા છે અને મંગળવારે લેસ્ટર જશે.