મદ્રાસ હાઈકોર્ટે છૂટાછેડાના કેસની સુનાવણી દરમિયાન પત્ની દ્વારા મંગળસૂત્ર ન પહેરવા પર આકરી ટીપ્પણી કરતાં છૂટાછેડાની અરજી મંજૂર કરી હતી. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે પતિથી અલગ રહેતી પત્નીના છૂટાછેડા પહેલા મંગળસૂત્ર કાઢી નાખવું એ પતિ માટે માનસિક ક્રૂરતા સમાન છે. આ ટિપ્પણી સાથે કોર્ટે પતિની છૂટાછેડાની અરજી મંજૂર કરી હતી.
ચેન્નાઈના ઈરોડ સ્થિત મેડિકલ કોલેજમાં પ્રોફેસર સી. શિવકુમારે સ્થાનિક ફેમિલી કોર્ટના આદેશને રદ્દ કરવાના વિરોધમાં મદ્રાસ હાઈકોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી.
આ મામલાની સુનાવણી કરતાં જસ્ટિસ વીએમ વેલુમણી અને એસ, સાંથરની ડિવિઝન બેન્ચે અવલોકન કર્યું કે જ્યારે મહિલાને પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્વીકાર્યું કે તેણે તેના પતિથી અલગ થવાના સમયે તેનું મંગળસૂત્ર કાઢી નાખ્યું હતું. સુનાવણી કરતી ખંડપીઠે સ્પષ્ટ અવલોકન કર્યું હતું કે તે સામાન્ય સમજની બાબત છે કે વિશ્વના આ ભાગમાં લગ્ન સમારોહમાં મંગળસૂત્ર બાંધવું એ એક આવશ્યક વિધિ છે. મહિલાએ એ પણ સ્વીકાર્યું છે કે તેણે મંગલસૂત્ર કાઢી નાખ્યું હતું અને તેને બેંક લોકરમાં રાખ્યું હતું. તે જાણીતી હકીકત છે કે કોઈ પણ હિંદુ પરિણીત મહિલા તેના પતિના જીવનકાળ દરમિયાન કોઈપણ સંજોગોમાં પોતાનું મંગળસૂત્ર દૂર કરશે નહીં.
કોર્ટે કહ્યું કે કોઈપણ હિંદુ મહિલાના ગળામાં મંગળસૂત્ર એક પવિત્ર વસ્તુ છે જે વિવાહિત જીવન ચાલુ રાખવાનું પ્રતીક છે અને પતિના મૃત્યુ પછી જ તેને દૂર કરવામાં આવે છે. તેથી પતિ જીવિત હોય ત્યારે પત્નીને મંગળસૂત્રથી અલગ કરવું એ માનસિક ક્રૂરતા કહેવાય છે કારણ કે આમ કરવાથી પતિની લાગણીઓને ઠેસ પહોંચે છે.