નર્મદા જિલ્લા એ.સી.બી દ્વારા નર્મદા જિલ્લા સહાયક નિરીક્ષકની કચેરીના નાયબ ઓડીટર 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પડાયા છે. ગામ પંચાયત દ્વારા કરવામાં આવેલા ખર્ચનો પોઝિટીવ રિપોર્ટ આપવા માટે કહો કે વર્ષના ઓડિટ કરી કોઈ ભૂલ ના કાઢવા માટે નાયબ ઓડિટર ભરતભાઈ હસમુખભાઈ પાઠકે પહેલા 1,50,000 રુપિયાની ડિમાન્ડ કરી હતી. પંચાયતના હોદ્દેદાર તરફથી રકઝક કરતા અંતે 1 લાખની માંગણી કરી હતી. ફરિયાદ મળતાં નર્મદા એ.સી.બીએ છટકું ગોઠવી ભરતભાઈ હસમુખભાઈ પાઠકને લાંચ લેતા ઝડપી લીધા હતાં. એસીબીએ પાઠકને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર કોઠી-કેવડીયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સને-2021 સુધી રહેલા સરપંચને તેઓની પંચાયતનું સને 2017-18 ના વર્ષનુ ઓડીટ કરવાનુ બાકી હતું. જેથી નાયબ ઓડિટર ભરતભાઈ હસમુખભાઈ પાઠકે એમને ફોન કરી તે વર્ષના ઓડીટ કરી કોઇ ભુલ ન કાઢવા માટે વ્યવહારના રૂ.1,50,000 ની લાંચની માંગણી કરી હતી. એ રકમ સરપંચે ઓછી કરવાની જણાવતા રકઝકના અંતે રુ.1,00,000 લેવાના નક્કી કર્યા હતા.
જે લાંચની રકમ સરપંચ આપવા માંગતા ન હતા, જેથી એમણ એ.સી.બી.માં ફરીયાદ કરી હતી. ફરિયાદના આધારે 19/07/2022 ના રોજ નર્મદા જિલ્લા એ.સી.બી ઇન્ચાર્જ પીઆઇ એસ.વી.વસાવા સહિત અન્ય લોકોની ઉપસ્થિતિમાં લાંચનું છટકુ ગોઠવ્યું હતું. જેમાં નાયબ ઓડિટર ભરતભાઈ હસમુખભાઈ પાઠક રૂ.1,00,000ની લાંચની માંગણી કરી, ગરુડેશ્વર ગ્રામ પંચાયત કચેરી ખાતે સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.