પતિ કે સાસરિયાઓના ત્રાસથી પરિણીતા આરઘાત જેવું આત્યંતિક પગલું ભરે એવી ઘટનાઓ છાશવારે જોવા સાંભળવા મળે છે. જો કે સુરતમાં વરાછા વિસ્તારના યોગી ચોકમાં રહેતા યુવકે પત્નીના ત્રાસથી કંટાળી આત્મહત્યા કર્યાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. પરિણીતા છેલ્લા ઘણા સમયથી પતિને એકલા છોડી પિયર રહેતી હતી, જો કે ત્યાંથી પણ તે સતત ઝઘડાઓ કરી પોલીસમાં અરજીઓ કરી માનસિક ત્રાસ ગુજારતી હોય હતાશ થઇ ગયેલા યુવકે આ આત્યંતિક પગલું ભરી લીધાનું કહેવાય રહ્યું છે.
પોલીસ સૂત્રો પાસેથી બનાવ અંગે મળતી માહિતી અનુસાર વરાછા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતેના સાવલિયા સર્કલ પર દેવુ રેસીડેન્સીમાં મેહૂલ રમેશભાઈ ગેલાણી(ઉ.વ.આ.35)રહેતો હતો. મેહુલે ગતરોજ આપઘાત કરી લેતા તેના પરિજનો મિત્રો સ્તબ્ધ થઇ ગયા હતાં. મેહૂલભાઈએ ગઈકાલે પોતાના ઘરના રસોડામાં છતના પંખાના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. બાદમાં સંબંધીઓને જાણ થતાં મકાનનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે લટકતો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પરિવાર ભાંગી પડ્યો હતો.
પોલીસ તપાસમાં પ્રાથમિક તબક્કે સામે આવ્યું હતું કે, મેહૂલ અને તેની પત્ની વચ્ચે ઘણા સમયથી ઝઘડાઓ ચાલતા હતાં. આ દરમિયાન મેહૂલ પોતાના કામ ધંધામાં પણ ધ્યાન આપી શકતો નહોતો. સતત ઘરકંકાસ બાદ છેલ્લા ઘણા સમયથી મહેલની પત્ની પિયર જતી રહી હતી. ત્યાંથી પણ મેહૂલ સામે પોલીસમાં અરજીઓ કરવામાં આવતી હતી. જેથી સતત ટેન્શનમાં રહેતા આખરે મેહૂલે આપઘાતનું પગલું ભરી લીધું હતું. મેહૂલના પરિવાર દ્વારા પણ આત્મહત્યાની દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.