કોંગ્રેસના નેતા અને સાંસદ મનીષ તિવારીએ ગુરુવારે અગ્નિપથ યોજના પર તેમની પાર્ટીના વલણથી અલગ મંતવ્ય વ્યક્ત કર્યુ છે. તિવારીએ કહ્યું કે નવી અગ્નિપથ યોજના યોગ્ય દિશામાં ખૂબ જ જરૂરી સુધારા છે અને તે સશસ્ત્ર દળો માટે રોજગાર ગેરંટી કાર્યક્રમ ન હોવો જોઈએ.
દાયકાઓ જૂની પસંદગી પ્રક્રિયામાં મોટા ફેરફારના ભાગરૂપે સરકારે મંગળવારે આર્મી, નેવી અને એરફોર્સમાં ચાર વર્ષ માટે ટૂંકા ગાળાના કરારના આધારે સૈનિકોની ભરતી કરવાની યોજના શરૂ કરી છે. તિવારીએ કહ્યું, આ એક એવો સુધારો છે જેની ખૂબ જ જરૂર છે અને તે યોગ્ય દિશામાં સુધારો છે. વાસ્તવિકતા એ છે કે ભારતને અત્યાધુનિક શસ્ત્રો ટેકનોલોજીથી સજ્જ યુવા સશસ્ત્ર દળની જરૂર છે.
તેમણે એક ટ્વિટમાં કહ્યું કે, સશસ્ત્ર દળો પાસે રોજગાર ગેરંટી કાર્યક્રમ ન હોવો જોઈએ. કોંગ્રેસનું કહેવું છે કે નિષ્ણાતો અને અન્યો સાથે વ્યાપક પરામર્શ કર્યા પછી જ આ અંગે આગળનું પગલું ભરવું જોઈએ જે મનીષ તિવારીના નિવેદનથી વિપરીત છે.
સેનામાં ભરતી માટે નવી યોજના ‘અગ્નિપથ’ને લઈને દેશના ઘણા ભાગોમાં હંગામો ચાલી રહ્યો છે. વિપક્ષે ગુરુવારે આ યોજનાને લઈને કેન્દ્ર સરકાર પર હુમલો તેજ કર્યો અને તેને પાછો ખેંચવાની માંગ કરી. સરકારે એક સ્પષ્ટતા જારી કરીને કહ્યું કે નવું ‘મોડલ’ માત્ર સેના માટે નવી ક્ષમતાઓ જ નહીં લાવે, પરંતુ ખાનગી ક્ષેત્રમાં યુવાનો માટે તકોના દરવાજા પણ ખોલશે. ગુરુવારે, હરિયાણા, યુપી અને બિહાર સહિત દેશના અલગ-અલગ ભાગોમાં અગ્નિપથ યોજનાના વિરોધમાં દેખાવો થયા હતા.