વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતો વચ્ચે ભારત રશિયાથી સસ્તા ભાવે ક્રુડની આયાત વધારી રહ્યું છે. યુક્રેન પર રશિયાના હુમલા બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારો થયો છે અને કેટલાક મહિનાઓથી બેરલ દીઠ $100થી ઉપર રહ્યો છે. જો કે અમેરિકા અને તેના સહયોગી દેશોના પ્રતિબંધોને કારણે રશિયાનું ક્રૂડ ઓઈલ સસ્તું છે. ભારત અને ચીન જેવા દેશો તેનો ફાયદો ઉઠાવી રહ્યા છે. ક્રૂડ ઓઈલની આ વધેલી ખરીદીને કારણે એપ્રિલમાં રશિયાથી ભારતનું કુલ આયાત બિલ વધીને $2.3 બિલિયન થઈ ગયું, જે એક વર્ષ અગાઉની સરખામણીમાં 3.5 ગણું છે.
વાણિજ્ય મંત્રાલયના ડેટા મુજબ એપ્રિલમાં ભારતે સૌથી વધુ ક્રૂડ ઓઈલ રશિયાથી આયાત કર્યું હતું. રશિયામાંથી ભારતની કુલ આયાતમાં કાચા તેલનો હિસ્સો $1.3 બિલિયન અથવા 57 ટકા હતો. ક્રૂડ ઓઈલ ઉપરાંત ભારતે રશિયા પાસેથી જે વસ્તુઓની આયાત કરી તેમાં કોલસો, સોયાબીન તેલ, સૂર્યમુખી તેલ, ખાતર અને બિન-ઔદ્યોગિક હીરાનો સમાવેશ થાય છે. રશિયા પાસેથી ભારતની વધેલી ખરીદીનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે એપ્રિલમાં તે ઈરાક, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) પછી ક્રૂડ ઓઈલનો ચોથો સૌથી મોટો સપ્લાયર બન્યો છે.
ડેટા અનુસાર, કુલ આયાતના સંદર્ભમાં, રશિયા એપ્રિલ મહિનામાં છઠ્ઠા ક્રમે છે. માત્ર એક વર્ષ પહેલા, રશિયા ક્રૂડ ઓઇલનો 7મો સૌથી મોટો સપ્લાયર હતો અને કુલ આયાતમાં 21મું હતું. આ વર્ષે એપ્રિલ દરમિયાન આયાત અને નિકાસ એકસાથે એટલે કે કુલ વેપારની દ્રષ્ટિએ રશિયા ભારતનો 9મો સૌથી મોટો ભાગીદાર હતો. એપ્રિલ મહિનામાં બંને દેશો વચ્ચે 2.42 અબજ ડોલરનો વેપાર થયો હતો. આ સમયગાળા દરમિયાન, રશિયામાં ભારતની નિકાસ વાર્ષિક ધોરણે 59 ટકા ઘટીને માત્ર $96 મિલિયન રહી હતી. ભારત રશિયાને લોખંડ અને સ્ટીલ, ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, દરિયાઈ ઉત્પાદનો અને ઓટો ઘટકોની નિકાસ કરે છે.