રાજકીય અસ્થિરતાં કહો કે કટોકટી વચ્ચે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ બાદ હવે નવા વડાપ્રધાનના નામનુ એલાન પણ થઈ ચૂક્યુ છે. 72 વર્ષીય દિનેશ ગુણવર્ધનેને નવા વડાપ્રધાન બનાવાયા છે. સંસદમાં સભાગૃહના નેતાએ શુક્રવારે પીએમ પદના શપથ લીધા. ગુણવર્ધને છેલ્લી ગોટબાયા-મહિંદા સરકારમાં શિક્ષણ મંત્રી હતા. તેમના પરિવારનો ભારત સાથે ઊંડો સંબંધ રહ્યો છે. ગુણવર્ધનેના પિતા ફિલિપ ગુણવર્ધને ભારતની સ્વતંત્રતા માટે લડત લડી હતી. પોતાના માતા-પિતાની જેમ સાફ-સુથરી છબી રાખનારા દિનેશ ગુણવર્ધનેએ ભારતની સાથે સારા સંબંધ રાખ્યા છે. તેઓ 22 વર્ષથી વધારે સમય સુધી એક શક્તિશાળી કેબિનેટ મંત્રી રહ્યા છે.
સંયુક્ત રાજ્ય અમેરિકા અને નેધરલેન્ડમાં શિક્ષિત દિનેશ ગુણવર્ધને એક ટ્રેડ યુનિયન નેતા અને પોતાના પિતા ફિલિપ ગુણવર્ધનેની જેમ એક સેનાની રહી ચૂક્યા છે. ફિલિપ ગુણવર્ધનેને શ્રીલંકામાં સમાજવાદના જનક તરીકે ઓળખવામાં આવે છે. ફિલિપ ગુણવર્ધનેનો ભારત પ્રત્યેનો પ્રેમ અને સામ્રાજ્યવાદી કબ્જા વિરુદ્ધ સ્વતંત્રતાની દિશામાં પ્રયાસ 1920ના દાયકાની શરૂઆતમાં સંયુક્ત રાજ્ય અમેરિકાથી શરૂ થયો હતો. આ કાર્યમાં તેમની પત્નીએ ખૂબ સાથ નિભાવ્યો.
ફિલિપ ગુણવર્ધને વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાં જયપ્રકાશ નારાયણ અને વીકે કૃષ્ણ મેનનના સહાધ્યાયી રહી ચૂક્યા હતા. તેમણે અમેરિકી રાજકીય વર્તુળોમાં સામ્રાજ્યવાદથી સ્વતંત્રતાની વકાલત કરી. બાદમાં લંડનમાં ભારતની સામ્રાજ્યવાદ વિરોધી લીગનુ નેતૃત્વ પણ કર્યુ. ઘણા ઓછા લોકો જાણે છે કે તેમના પરિવારનો ભારત સાથે ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. સમગ્ર ગુણવર્ધને પરિવારનો ભારત સમર્થક ઝુકાવ છે.
દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન શ્રીલંકાથી ભાગ્યા બાદ વડાપ્રધાનના પિતા ફિલિપ અને માતા કુસુમાએ ભારતમાં શરણ લીધુ હતુ. તેઓ તે ભૂમિગત કાર્યકર્તાઓમાં સામેલ થઈ ગયા હતા. જે આઝાદી માટે લડી રહ્યા હતા અને અમુક સમય માટે ધરપકડમાંથી બચી ગયા હતા. 1943માં તે બંનેને બ્રિટિશ ગુપ્ત વિભાગે પકડી લીધા હતા. અમુક સમય માટે તેમને બોમ્બેની આર્થર રોડ જેલમાં રાખ્યા હતા. એક વર્ષ બાદ ફિલિપ અને તેમની પત્નીને શ્રીલંકા ડિપોર્ટ કરી દેવાયા અને આઝાદી બાદ જ મુક્ત કરાયા.
ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ ભારતના સ્વતંત્રતા આંદોલનમાં ફિલિપ ગુણવર્ધનેના બલિદાનના વખાણ કર્યા હતા. નેહરૂ ત્યારે કોલંબો પ્રવાસના સમયે ફિલિપના ઘરે પણ પહોંચ્યા હતા. આઝાદીના આંદોલનમાં તેમના યોગદાન માટે વ્યક્તિગત રીતે પરિવારનો આભાર માન્યો હતો.
1948માં શ્રીલંકાને યુનાઈટેડ કિંગડમથી સ્વતંત્રતા મળ્યા બાદ ફિલિપ અને કુસુમા બંને સંસદના સભ્ય બન્યા. ફિલિપ 1956માં પીપુલ્સ રિવોલ્યુશન સરકારના સંસ્થાપક નેતા અને કેબિનેટ મંત્રી હતા. તેમના તમામ ચાર બાળકોએ કોલંબોના મેયર, કેબિનેટ મંત્રીઓ, સાંસદો વગેરે સહિત ઉચ્ચ રાજકીય પદો પર પણ કામ કર્યુ છે.