અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી રહી છે. વરસાદના કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે. અમદાવાદમાં આખી રાત આફત રુપે વરસેલા વરસાદે AMCના પ્રિમોન્સુન પ્લાનની પોલ ખોલી નાખી. પ્રથમ વરસાદમાં જ અમદાવાદના અનેક વિસ્તારો જળમગ્ન થઇ ગયા. શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં ઠેર-ઠેર પાણી ફરી વળતા સવાર-સવારમાં જ લોકોએ ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો. અમદાવાદના પ્રહલાદનગર રોડ ઉપર ઔડાના તળાવની પાળ તૂટી જતાં વ્રજવિહાર અપાર્ટમેન્ટનું બેઝમેન્ટ આખું પાણીમાં ડૂબી ગયું હતું.
મેઘરાજાએ રવિવારની રાતે અમદાવાદમાં ધબધબાટી બોલાવી હતી. આખી રાત વરસેલા મુશળધાર વરસાદના કારણે અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં સોસાયટીમાં પણ પાણી ભરાઇ જતા લોકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં પ્રહલાદનગર, શ્યામલ, જીવરાજ પાર્ક અને પાલડીમાં હજુ પણ પાણી ભરાયેલા છે. તો બીજી બાજુ શહેરના નિકોલ, નરોડા, કૃષ્ણનગર, ઓઢવ, રખિયાલ, હાટકેશ્વર, ઈસનપુર અને અજીત મીલ વિસ્તારો જળમગ્ન થઇ ગયા છે. એ સિવાય શહેરના અન્ય વિસ્તારોમાં મણિનગર, જજીસ બંગલો, રાણીપ, મીઠાખળી, બોપલ, ઘુમા, ગોતા, ચાંદલોડિયાઅને પરિમલ અંડરપાસમાં પાણી ભરાઇ જતા વાહનચાલકોએ સવાર-સવારમાં નોકરીએ ફરી-ફરીને જવાના દહાડા આવ્યા.
શહેરના ઉસ્માનપુરા, આશ્રમ રોડ, વાડજ, ઇન્કમટેક્સ વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારેપાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વાડજ, ઇન્કમટેકસ ,આશ્રમ રોડ વિસ્તારમાં 14.62 ઇંચ તો બોડકદેવ-વસ્ત્રાપુર વિસ્તારમાં 12.08 ઈંચ વરસાદ ખાબક્યો છે. શહેરના શાહીબાગ, ઉસ્માનપુરા અને અખબારનગર અંડરબ્રિજમાં બે ફૂટ પાણી ભરાતા ત્રણેય અંડરબ્રિજ બંધ કરવાનો વારો આવ્યો છે. મોડી રાત્રે ફરી ધોધમાર વરસાદ વરસતા લોકોના ઘરમાં પાણી ફરી વળ્યાં છે. આથી સવાર-સવારમાં લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી છે. વાહનચાલકોના વ્હીકલો પણ બંધ થઇ ગયા છે.