શોર્ટ ટેમ્પર થઇ રહ્યો છે આજનો યુવા. કોઇપણ બાબતે ના તે સ્વિકારી શકતો નથી. સંબંધો હોય કે વ્યવહારોમાં ના શબ્દ કાને પડતાં તે જાણે હમચમી જાય છે, તમતમી ઉઠે છે. આવી મનોસ્થિતિમાં તે ઘણી વખત ન કરવાનું કરી બેસે છે, આંત્યંતિક પગલું ભરી લે છે. કંઇ આવો જ બનાવ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાંથી બહાર આવ્યો છે. અહીંના નિભોરા ગામના રહેવાસી 19 વર્ષીય યુવકને ગત રોજ તેમના પિતા દ્વારા પાળેલ ઘોડાને હાઇવે ઉપર ફરાવવા નહી જણાવતા પુત્રને મનમાં ખોટું લાગી આવતા પોતના ઘરેથી બાઈક લઈને નીકળી અને હથોડા ગામની સીમમાં આવેલ તાપી નદીના પુલ ઉપર બાઈક મૂકીને પુલ ઉપરથી તાપી નદીના પાણીમાં છલાંગ લગાવી હતી, જે યુવકનો મૃતદેહ બે દિવસ પછી જુના આશ્રાવા ગામની સીમમાં તાપી નદીના પાણીમાંથી મળી આવ્યો હતો.
સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ કુકરમુંડા તાલુકાના નિભોરા ગામના રહેવાસી સંદિપભાઇ પ્રકાશભાઇ પાટીલ (ઉ.વ.19) ગત તારીખ 17/07/2022 ના રોજ તેમના પિતા પ્રકાશભાઇ ધર્માભાઈ પાટીલ દ્વારા તેમના પાળેલા ઘોડાને હાઇવે ઉપર ફરાવવા નહી જણાવતા પુત્ર સંદિપભાઇના મનમાં ખોટુ લાગી આવતા ઘરેથી મોટર સાઇકલ લઈને નીકળી ગયેલ અને હથોડા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદી ઉપર બનાવેલા પુલ પર મોટરસાઇકલ મૂકીને તાપી નદીના ઉંડા પાણીમાં કૂદી જતાં ડુબી ગયો હતો.
આશ્રાવા ગામની સીમમાંથી મૃતદેહ મળ્યો, જેનો મૃતદેહ કુકરમુંડાના જુના આશ્રાવા ગામની સીમમાંથી પસાર થતી તાપી નદીના કિનારે નદીના પાણીમાં મળી આવ્યો હતો. ઘટના અંગે મરણ જનારના પિતા દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે અંગે નિઝર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.