ભારતીય શિક્ષણ અને પરિક્ષા પધ્ધતિમાં ઘણી ત્રૂટીઓ છે. વિદ્યાર્થીઓને કુશળ, કાબેલ બનાવવા કરતાં વધુ પ્રાધાન્ય ગોખણપટ્ટી કરી માર્ક કહો કે ટકા મેળવવાને આપવામાં આવે છે. તેમાંય બોર્ડની પરિક્ષા વિદ્યાર્થીઓ માટે અગ્નિ પરિક્ષા બનાવી દેવાઇ છે. આ પરિક્ષાનું પરિણામ જાણે જીવન મરણનો પ્રશ્ન બનાવી દેવાયો છે. એવો હાઉ ઉભો કરી દેવાયો છે કે વિદ્યાર્થીઓ બિનજરુરી દબાણ અનુભવકો રહે છે. વિદ્યાર્થીઓમાં આ દબાણ હળવું કરવા માટે ઘણાં બધા ક્ષેત્રમાં સફળ રહેલા, નામના કરી ચૂકેલા વ્યક્તિઓ આગળ આવે છે. આવી જ એક વ્યક્તિ છે. પોલીસ ઇન્સપેક્ટર બી. કે. ખાચર. સુરતના ઓલપાડ પોલીસ મથકમાં ફરજ બજાવતા પી.આઈ બી.કે ખાચર ધો.12ની પરિક્ષામાં નાપાસ થયા હતાં. પરંતુ આ એક નિષ્ફળતાં જીવનમાં ફૂલસ્ટોપ લાવી દેતી નથી. સફળ થવાનો માર્ગ રોકી દેતી નથી એવા સંદેશ સાથે તેમણે પોતાની ધોરણ-૧૨ ની માર્કશીટ સોશિયલ મીડિયામાં જાહેર કરી છે.

સુરત જિલ્લાના ઓલપાડ પોલિસ મથકમાં પોલીસ ઇસ્પેક્ટર તરીકે ફરજ બજાવતા બી.કે ખાચરે પરિક્ષાના પરિણામ અંગેના પોતાનો અનુભવ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. ખાચરે વર્ષ ૨૦૦૨માં ધોરણ ૧૨ની પરીક્ષા આપી હતી, પરંતુ તેમાં પ્રથમ પ્રયત્નો સફળ રહ્યા ન હતાં. બોર્ડની પરીક્ષામાં નાપાસ થયાં બાદ પણ બી. કે ખાચર હિંમત હાર્યા નહોતા. રસ્તામાં ઠોકર વાગે અને પડી જવાય તો માણસ ચાલવાનું થોડી છોડી દે છે.. આ ઠોકરથી શીખીને સંભાળીને આગળ વધે જ છે ને. આની જ વાતથી હિંમત કેળવી તેઓએ વધું વ્યવસ્થિત રીતે સારુ માર્ગદર્શન મેળવી અભ્યાસ ચાલુ રાખ્યો અને સફળતાં મેળવી હતી. નિષ્ફળતાંથી ડરો નહી, તૂટો નહી, તેમાંથી શીખો અને મજબૂત બનો એવું માનનારા બી. કે ખાચર જીવનના પડાવો પાર કરતાં રહ્યા અને આખરે તેમણે જીત હાંસલ કરી લીધી હતી.
પોલીસ ઇન્સપેક્ટર તરીકે સારી નામના ધરાવતાં બી.કે ખાચર કહે છે કે “કોશિષ કરને વાલો કી કભી હાર નહીં હોતી” ખાચરે પોતાના ફેસબુક આઈડી ઉપર પોતાની ધોરણ-૧૨ની નાપાસની માર્કશીટ જાહેર કરી વિદ્યાર્થીઓનું મનોબળ વધારી રહ્યા છે. પી.આઈ બી.કે ખાચરનો સોશિયલ મીડિયામાં પોતાની માર્કશીટ જાહેર કરવાનો હેતુ એ જ છે કે પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ હતાશ થવાની જરૂર નથી. આ તેમનું આખરી પરિણામ નથી. તમે ધારો તો કઈ પણ કરી શકો. ધોરણ-૧૦ અને ૧૨માં નાપાસ થયેલો વ્યક્તિ પણ જીવનમાં સફળ થઈ શકે છે. ત્યારે માતા-પિતાએ પણ આવા વિદ્યાર્થીઓને ઠપકો આપવાને બદલે હિંમત અને પોત્સાહન આપવું જોઈએ. જેથી વિદ્યાર્થીઓ કોઈ ખરાબ પગલું પણ ન ભરે. ખાચરનો વિદ્યાર્થીઓને એક જ મેસજ છે કે હિંમત ન હારવી. સફળતાંથી છકી જવું નહીં, નિષ્ફળતાંથી ડરી જવું નહી. તમે કોશિશ કરતાં રહો જીવનમાં એક દિવસ ચોક્કસ સફળતા મળશે.