સુરત: નશો માત્ર માદક પદાર્થોથી જ થાય છે એવું નથી, ઘણાં નશેડીઓ કેફીનયુક્ત દવાઓનો પણ નશો કરવા માટે ઉપયોગ કરે છે. કફ સિરપ અને પેઇન કીલર એવી દવાઓ છે કે જે નશો કરવા ઉપયોગમાં લેવાય છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ તથા નશાયુક્ત દવાઓનું વેચાણ કરતા મેડીકલ સ્ટોર ઉપર શહેર પોલીસના SOGએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડો પાડ્યો હતો. અહીંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી અલગ અલગ 407 નંગ ટેબલેટ તેમજ 17 નંગ સીરપની બોટલ કબજે કરવામાં આવી હતી.
શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર પર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ તથા નશાયુક્ત દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આવા નશાકારક દવાઓનો ઉપયોગ કરી ગુનેગારો ગુન્હાહિત પ્રવૃતિ આચરે છે. યુવાધન આવી નશાયુકત ગોળીઓનું સેવન કરીને નશાખોરીના રવાડે ચઢી આરોગ્યને જોખમમાં મુકે છે. આ બધી બાબતો ચોરી, લૂંટ, હત્યા જેવા ગુનાઓમાં ઝડપાતાં યુવાઓની તપાસમાં બહાર આવતી હોવાથી સ્પેશ્યિલ ઓપરેશન ગૃપના ઇન્સપેક્ટર રાજેશ સુવેરાએ આ દિશામાં કાર્યવાહી માટે વિશેષ ટીમ બનાવી હતી. આ ટીમોને જુદા જુદા વિસ્તારોમાં મોકલી મેડીકલ સ્ટોરમાંથી આવી દવા ખરીદવા કહેવાયું હતું.
સુરત SOGની આ ઝૂંબેશ કહો કે સપરપ્રાઇઝ ચેકિંગમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પણ સાથે રાખવામાં આવ્યા હતાં. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, પાંડેસરા નેમનગરમાં શિવ શક્તિ મેડિકલ એન્ડ જનરલ સ્ટોરમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સીરપ તથા નશાયુક્ત દવાઓનું વેચાણ થઈ રહ્યું છે. જે માહિતીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી ખરાઈ કરી હતી. જેમાં સંચાલક લાલારામ જેતારામ ચૌધરીએ દવાનું વેચાણ કર્યું હતું. જેથી SOG પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી 407 નંગ ટેબલેટ તેમજ 17 નંગ સીરપની બોટલો કબજે કરી હતી. આ મામલે ગેરકાયદેસર જણાઈ આવ્યેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.