પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા “ડ્રગ્સ ફ્રી સુરત, સલામત સુરત, સ્વસ્થ સુરત” અંતર્ગત 5 કિમીની રન યોજાઇ હતી, જેમાં DCP શ્રી સાગર બાગમાર સહિત 50 પોલીસ અધિકારી અને પોલીસ કર્મીઓ તેમજ 3 હજારથી વધુ પાંડેસરા ઇન્ડસ્ટ્રીઅલ યુનિટ્સનાં કામદારો, નાગરિકો, વડીલો, મહિલાઓ જોડાયા.

માનનીય પોલીસ કમિશનર અજયકુમાર તોમરે પણ 5 કિમીની રન પૂર્ણ કરી શહેરીજનોને પ્રોત્સાહિત કર્યા હતા. પાંચ કિલોમીટરની આ દોડમાં સેંકડો લોકોએ ભાગ લીધો અને તેઓ ઉત્સાહભેર દોડ્યા હતાં. પોલીસ કમિશનર તોમરે સર્વ વિજેતાઓને ઇનામ આપી શુભેચ્છાઓ પાઠવી હતી. આ રનમાં સર્વએ ડ્રગ્સની બદીથી દૂર રહી સુરતને સલામત અને ફિટ રાખવાનો સંકલ્પ લીધો હતો.

પોલીસ અને શહેરીજનો વચ્ચે સેતુ રચાય એ હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા કોમ્યુનિટી પોલિસિંગની એક પહેલ શરૂ કરાઇ છે, અમને આનંદ છે કે આ પહેલને શહેરીજનો દ્વારા અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ આ ઝૂંબેશમાં વિશેષ કાર્યક્રમો યોજી રહ્યું છે. જાહેર સ્થળોએ પ્લે કાર્ડ લઇ એસઓજીના કર્મચારીઓ ડ્રગ્સ મુક્ત શહેર માટે લોકોને સમજાવતાં આવ્યા છે. શાળા કોલેજોની સાથે સાથે જાહેર સ્થળોએ લોકજાગૃતિના કાર્યક્રમો યોજી પોલીસ તેનું સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવતી જોવા મળી રહી છે.