રાજકોટ: શહેર પોલીસ કમિશનર કચેરીએ પ્રેમ લગ્ન કરનાર પીયૂષ રાઠોડ નામના યુવકે પોલીસ કમિશનર કચેરીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન તેણે પોતાની વાત જણાવતા મીડિયાને જણાવ્યું હતું કે તેણે પ્રેમલગ્ન કર્યા છે અને હાલ તેમની પત્ની ગર્ભવતી છે. યુવકે પ્રેમ લગ્ન કરતા તાલુકા પોલીસ દ્વારા બન્ને પતિ-પત્નીને વારંવાર બોલાવી ત્રાસ અપાઇ રહયો છે. આ ત્રાસથી કંટાળી પોતે આ પગલું ભરવા મજબૂર થયો હોવાનો આક્ષેપ આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાને કર્યો છે.

પીયૂષ રાઠોડ રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો અને ત્યાં પોતાની સાથે લવાયેલું પ્રવાહી ગટગટાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કચેરીમાં હાજર કર્મચારીઓ દ્વારા આવું કરતાં રોકી લેવામાં આવ્યો હતો. પોલીસે પકડતાં જ પીયુષ રાઠોડ બૂમબરાડા પાડવા માંડ્યો હતો. તેણે એવો આરોપ લગાવ્યો હતો કે પોલીસ તેને રંજાડી રહી છે, જીવવાનું હરામ કરી નાંખ્યું છે. પોલીસ દ્વારા તેમને અનેકવાર માર પણ માર્યો હોવાનું યુવકે મીડિયાને જણાવ્યું હતું.

આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે સ્થળ પર હાજર કર્મચારીઓની સમય સૂચકતાને કારણે તરત યુવકને ફિનાઇલ પીતા અટકાવવામાં આવ્યો છે. હાલ યુવક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પિયુષ મીડિયાની હાજરીમાં એવી વાત કરતો હતો કે તેણે પ્રેમ લગ્ન કર્યા છે. તેની પત્ની ગર્ભવતી છે. આમ છતાં કોઇને કોઇ કારણ આગળ કરી પોલીસ તેને અવાર નવાર બોલાવી ડરાવી ધમકાવી રહી છે. તેને ઘણી વખત માર પણ મારવામાં આવ્યો છે. જો કે પોલીસનું કહેવું છે કે પિયુષ સ્વસ્થ થયા બાદ તેનું વિસ્તૃત નિવેદન નોંધવામાં આવશે. આત્મહત્યાના પ્રયાસનું ચોક્કસ કારણ જાણવા માટે કાર્યવાહી કરવામાં આવશે.