ચેન્નાઈ તા.29 જાન્યૂઆરી…
એક ફિલ્મનાં જાણીતા ગીતના શબ્દો છે- ઉલ્ફત મેં તાજ બનતે યે ભી તુમ્હેં યાદ હોગા, ઉલ્ફત મેં તાજ તૂટતે યે ભી તુમ્હેં યાદ હોગા… પ્રેમમાં ક્યાંક તાજ મહેલ નિર્માણ ના તો ક્યાંક ખારે ખાનાખરાબીના કિસ્સાઓ જોવા મળે છે. પ્રેમમાં સમર્પણની ભાવના હોય છે, જો કે ક્યાંક આધિપત્યની વાત આવે ત્યારે સર્જનના સ્થાને વિનાશ વેરાતો જોવા મળે છે.

તમિલનાડુમાં કંઇક આવી જ ઘટના ઘટી છે. અહીં એક ડોકટરે પ્રેમિકાથી નારાજ થઈને પોતાની 40 લાખની મર્સીડીઝ કાર સળગાવી નાખી હતી! આ અંગેની વિગત મુજબ કાંચીપુરમમાં એક ડોકટર કવિન તેની પ્રેમિકા સાથે લોંગ ડ્રાઈવ પર ગયા હતા. બાદમાં રાજાકુલમ ગામ પાસે એક તળાવ પાસે તેમણે કારને રોકી હતી.

આ દરમિયાન વાતચીત દરમિયાન કોઈ મુદ્દે બન્ને વચ્ચે ચડભડ થઈ હતી જે એટલી તો ઉગ્ર થઈ ગઈ કે ગુસ્સામાં ડોકટરે કારમાંથી એક ખાલી બોટલ કાઢી અને કારમાંથી પેટ્રોલ કાઢી તેને કારમાં ઉડાડી કારને આગ લગાડી દીધી હતી. આ દરમિયાન ડોકટરની ગર્લફ્રેન્ડે પ્રેમી ડોકટરને રોકવા પ્રયાસ કર્યો પણ ડોકટરે તેનું કાંઈ નહોતુ સાંભળ્યું.
કારમાં આગ લાગતા આજુબાજુમાં હડકંપ મચી ગયો હતો. લોકોએ આ મામલે ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ બન્નેને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. બાદમાં ડોકટરનો જામીન પર છુટકારો થયો હતો.