ખનન માફિયાઓએ તેમની ગેરકાનૂની પ્રવૃતિ રોકવા આવેલા ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈને મોતના ઘાટ ઉતારી દેતાં ભારે ચકચાર મચી છે. ગેરકાયદેસર ખનનની કામગીરી રોકવા સ્થળ ઉપર પહોંચેલા ડીએસપી સાથે માથાકૂટ કરવા દરમિયાન માફિયાઓએ તેમની ઉપર ડમ્પર ચડાવી દીધુ. ગંભીર રીતે ઘવાયેલા ડીએસપીનું સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું. આ રાક્ષસી કૃ્ત્ય બાદ ડ્રાઈવર ટ્રક લઈને ફરાર થઈ ગયો. આ ઘટના હરિયાણાના મેવાતમાં ઘટી હતી.
મળતી માહિતી મુજબ મેવાત પંથકમાં નૂંહના તવાડુના DYSP પદ પર સુરેન્દ્ર સિંહ તૈનાત હતા. એવું કહેવાય છે કે ડીએસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈને તવાડુના પહાડી વિસ્તારમાં ગેરકાયદેસર ખનની સૂચના મળી હતી અને ત્યારબાદ તેઓ ત્યાં પહોંચ્યા હતા. સવારે 11 વાગે તેમને ખનની જાણકારી મળી હતી. ત્યારબાદ સાડા અગિયાર વાગે તેઓ સ્ટાફ સાથે ત્યાં પહોંચ્યા હતા. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો તેમને જોઈને ખનન માફિયાઓએ માથાકૂટ કરી હતી. હલ્લો મચાવી પોલીસને ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે પાછીપાની નહીં કરતાં ખનન માફિયાઓએ ભાગવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન સુરેન્દ્ર સિંહે પથ્થર ભરેલા એક ડમ્પરને રોકવાની કોશિશ કરી હતી. ત્યારે જ ડ્રાઈવરે ડમ્પર તેમના પર ચડાવી દીધુ.
અત્રે જણાવવાનું કે ડીવાયએસપી સુરેન્દ્ર સિંહ આ વર્ષે રિટાયર થવાના હતા. પચગાંવના પહાડી વિસ્તારમાં ડેીએસપીનો મૃતદેહ મળ્યો છે. હરિયાણાના ખનન મંત્રી મૂળચંદ શર્માએ કહ્યું કે દોષિતોને છોડવામાં નહીં આવે. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં ખનની મંજૂરી નથી. પોલીસ આરોપીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ ઘટના બાદ ભારે સંખ્યામાં પોલીસફોર્સ ઘટનાસ્થળે પહોંચી છે. નોંધનીય છે કે ડીએસપીની હત્યા બાદ રાજ્ય સરકાર પણ એક્શનમાં છે અને દોષિતોને પકડવા માટે કાર્યવાહી તેજ કરાઈ છે.