*જનતાની સુરક્ષામા ફરજનિષ્ઠ રહેતા પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનોનું ધ્યાન રાખવા સરકાર કટિબદ્ધ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ
*રાજ્ય અને કેન્દ્ર સરકારે સમર્પિત પોલીસ કર્મચારીઓ માટે રહેવાની યોગ્ય વ્યવસ્થા થાય એની ચિંતા સેવી છે: કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ
*સમગ્ર દેશમાં સુરત ક્રાઈમ કંટ્રોલ અને રોડ સેફટીમાં અગ્રેસર: નાણા મંત્રી કનુભાઈ દેસાઈ
સુરત : ગુજરાત પોલીસ માટે નવનિર્મિત બિનરહેણાંક અને રહેણાંક આવસોના લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે રામપુરા પોલીસ લાઈન, લાલગેટ ખાતે ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા રૂ.૭ કરોડના ખર્ચે પોલીસ કોન્સ્ટેબલો માટેના નવનિર્મિત અદ્યતન સુવિધાયુક્ત બી-કેટેગરીના ૪૦ આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ સંપન્ન થયું હતું.
આ પ્રસંગે ગૃહમંત્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ સંબોધન કરતા જણાવ્યું હતું કે, દેશભરની પોલીસફોર્સ દેશની આંતરિક સુરક્ષા માટે હમેશા કટિબદ્ધ છે. સમયની સાથે કદમતાલ મિલાવી પોલીસ વિભાગને અપગ્રેડ કરવાની સરકારની જવાબદારી છે, ત્યારે જનતાની સુરક્ષામા ફરજનિષ્ઠ રહેતા પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનોનું ધ્યાન રાખવા માટે પણ સરકાર કટિબદ્ધ છે. પોલીસ જવાનો, સૈનિકો દેશ માટે પોતાના અમૂલ્ય પ્રાણોના ભોગે પણ દેશની સુરક્ષા માટે ફરજનિષ્ઠ છે એમ જણાવી રાષ્ટ્રરક્ષા માટે જીવનની આહૂતિ આપનાર ૩૫ હજાર પોલીસ જવાનોને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ શ્રદ્ધાંજલિ આપી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ દિનરાત આમજનતાની સેવા અને સુરક્ષામાં હંમેશા તહેનાત રહે છે, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે સમર્પિત પોલીસ કર્મચારીઓ માટે રહેવાની યોગ્ય વ્યવસ્થા થાય એની ચિંતા સેવી છે, અને આ માટે રાજયના ૨૫ જિલ્લાઓમાં પોલીસ આવાસોનું લોકાર્પણ એ પોલીસ પરિવારો માટેની સરકારની કાળજી અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.
રાજ્યના નાણા, ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સુરત ક્રાઈમ કંટ્રોલ અને રોડ સેફટીમાં અગ્રેસર છે, જેના મૂળમાં સુરતની સુદ્રઢ કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક જનજાગૃતિની સ્થિતિ છે. મિની ઈન્ડિયાની ઉપમા મવળવનાર સુરત શહેરમાં દેશના મહત્તમ રાજ્યોમાંથી આવેલા શ્રમિકો વસે છે અને રોજગારી મેળવી રહ્યા છે. મંત્રીએ ઉમેર્યું કે, સમય પ્રમાણે પોલીસકર્મીઓ પણ આધુનિક શસ્ત્રો અને ડિજિટલ ટેકનોલોજીના સમુચિત ઉપયોગથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે. સમાજની સુરક્ષા માટે સદૈવ તત્પર પોલીસ જવાનોને અદ્યતન આવાસીય સુવિધાઓ આપવાની રાજ્ય સરકારે હંમેશા કાળજી લીધી છે.
આ પ્રસંગે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું કે, પોલીસ કર્મચારીઓ ૨૪ કલાક, ૩૬૫ દિવસ ફરજ બજાવતા હોય છે. મૂક સેવકો એવા સુરક્ષાકર્મીઓ માટે અદ્યતન આવાસીય વ્યવસ્થા, ક્વાર્ટર્સની ભેટ આપવા બદલ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. નોંધનીય છે કે, B કેટેગરીના ક્વાટર્સ પોલીસ કોન્સ્ટેબલ માટે હોય છે. અત્યાર સુધી 1-BHK મકાન ફાળવવામાં આવતા હતા. સુરતમાં પ્રથમ વાર B કેટેગરીમાં પોલીસ કોન્સ્ટેબલો માટે 2-BHKના મકાન ફાળવવામાં આવ્યા છે.
આ પ્રસંગે માર્ગ મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી, મેયર હેમાલીબેન ભોગાવાલા, ડે. મેયર દિનેશભાઈ જોધાણી, ધારાસભ્ય સર્વશ્રી કિશોરભાઈ કાનાણી અને અરવિંદભાઈ રાણા, સુરત શહેર સુરત શહેર સંગઠન પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા, શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપુત, પદ્મશ્રી યઝદી કરંજીયા, કોર્પોરેટરો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.