** જ્યોર્જિયામાં કસીનો અને ક્લબમાં રોકાણનો પર્દાફાશ થતાં ઇડીએ તપાસ ઝડપી બનાવી, બુકીઓ સાથે કનેક્શન ધરાવનારા ફાયનાન્સરો પણ તપાસના દાયરામાં…
સુરત, તા.06 ફેબ્રૂઆરી…
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1400 કરોડનું સટ્ટા બેટિંગ રેકેટ અંગે ગુનો નોંઘ્યો એના 4 મહિના અગાઉ સુરત પોલીસની ઇકો સેલે બુકીઓ દ્વારા ડમી અને ફેક એકાઉન્ટ દ્વારા કરાયેલા 7800 કરોડના ટ્રાન્ઝેક્શન નો પર્દાફાશ કર્યો હતો. તંત્રને ગજવે ઘાલી ફરતાં હોવાનો ફાંકો રાખનારા મોટાગજાના બુકીઓના સામ્રાજ્યમાં પતનનો પહેલો ખીલો સુરત પોલીસની ઇકો સેલે માર્યો છે. અર્વોખર્વોમાં રમતાં અને નેતાઓથી માંડી નટ-નટીઓના ખોળે આળોટવા ટેવાયેલા આ બુકીઓ માટે સુરત પોલીસે લોકઅપનો દરવાજો ખોલી કાઢ્યો છે. 7800 કરોડના ટ્રાન્ઝેક્શનનો પોલીસે પર્દાફાશ કરતાં હવે આ મામલે ઇડી દ્વારા પણ તપાસ શરૂ કરાઇ હતી. બેંક એકાઉન્ટના ફોરેન્સિક ઓડિટ પુરુ થતાં જ બુકીઓ સામે પ્રિવેન્શન ઓફ મનીલોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે એવું જાણવા મળ્યું છે.

સુરત પોલીસની આર્થિક ગુના નિવારણ શાખાના એસીપી વી. કે. પરમાર ના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટર અશરફ બલોચની ટીમે પહેલી ઓક્ટોબરે ડીંડોલીના રાજમહેલ મોલમાં દરોડો પાડી સટ્ટાબેટિંગનું રેકેટ ઝડપી પાડ્યું હતું. અહીંથી હરીશ જરીવાલા, ઋષિકેશ શિંદેની ધરપકડ કરી અલગ અલગ 8 બેંકોની પાસબુક, 75 સીમકાર્ડ, 30 અલગ અલગ વ્યક્તિઓના આધારકાર્ડ, 53 ડેબીટ કાર્ડ, 25 અલગ અલગ ફર્મના સિક્કા અને લેપટ હેડ વિગેરે દસ્તાવેજો કબજે લેવાયા હતાં.
અહીંથી જે દસ્તાવેજો હાથ લાગ્યા એની ચકાસણીમાં ઐતિહાસિક કાર્યવાહી કરાઇ હતી. અહીંથી મળેલા ડોક્યુમેન્ટ આ ટોળકી 260 બેન્ક એકાઉન્ટ ઓપરેટ કરતી હોવાનું જણાવતાં હતાં. જે ડમી એટલે કે ફેક આઈડી થી ખોલાયેલા અને ત્રાહિત વ્યક્તિઓ મારફત ઓપરેટ કરાતાં હતાં. આ એકાઉન્ટની તપાસમાં પોલીસને 7800 કરોડના વ્યવહારો મળ્યા હતાં. ઇકો સેલે બીજું નોંધપાત્ર પગલું ભરતાં આ ડમી એકાઉન્ટમાંથી 3.04 કરોડ રૂપિયા ફ્રીઝ કરાવ્યા હતાં.

આ રેકેટનો પર્દાફાશ થતાં જ કેન્દ્રીય રેવન્યૂ એજન્સી દોડતી થઇ ગઇ હતી. ખાસ કરીને ઇડી દ્વારા આ તપાસની માહિતી માંગવામાં આવી હતી. પોલીસે આપેલા પ્રાથમિક રિપોર્ટ બાદ ઇડીના અધિકારીઓ સુરત ઇકો સેલમાં આવી ફાયનાન્સિયલ ટ્રાન્ઝેક્શનની પેટર્ન અંગે વિસ્તૃત માહિતી મેળવી ગયા હતાં. બુકીઓ દ્વારા બેન્કિંગ સિસ્ટમ થકી જ જે રીતે નાણાકીય હેરાફેરી કરાઈ એ જોઈ, જાણીને તેઓ ચોંકી ઉઠ્યા હતાં. ઇડીના અધિકારીઓએ પણ આ કૌભાંડમાં તપાસ આરંભી હતી. ઇડી દ્વારા બેંકોનો સંપર્ક કરી ડેટા મેળવવા સાથે ફોરેન્સિક ઓડીટ કરવામાં આવી રહ્યું છે. આ ઓડીટનો ફાઇનલ રિપોર્ટ આવી જતાં બુકીઓ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે એવું જાણવા મળે છે. બુકીઓનું જ્યોર્જિયામાં કસીનો અને ક્લબમાં કરોડોનું રોકાણ ઇડીની રડારમાં આવ્યું છે. આ બુકીઓ સાથે ભાગીદારી કરનારા કે ફાયનાન્સ આપનારા પણ ઇડીની તપાસના દાયરામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.

**ટોમી ઊંઝા અને હરેશ ચૌધરી સામે સ્પોટ ફિક્સીંગના પણ આરોપ
સટ્ટા બેટિંગમાં 7800 કરોડના આર્થિક વ્યવહારોનો ઇકો સેલ દ્વારા પર્દાફાશ કરવા સાથે જે મોટા માથાઓને વોન્ટેડ જાહેર કર્યા એમાં કચ્છ ગાંધીધામના અમિત મજીઠીયા, રાજકોટના રાકેશ રાજદેવ, રાધનપુરના હરેશ ચૌધરી, ઉંઝા નો ટોમી પટેલ, આકાશ, ખંભાતનો દિનુ ભરવાડ ઉર્ફે દિનેશ ખંભાતી, છત્તીસગઢનો સુભાષ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ, નવીન ચૌધરી બનાસકાંઠા, અજયસિંહ વાઘેલા પાટણ, દિલીપ હેમરાજ ચૌધરી પાટણ, ચેતન ચૌધરી હારીજ પાટણ તથા સુરતમાં મોટું કામ ધરાવતો રાધનપુર પીપળીનો હાર્દિક નવીનચંદ્ર મહેતા, વડોદરા ભાયલીનો ચિરાગ સુરેશ પટેલ, લીલત કાવા, હર્ષ શાહ વિગેરે છે.

આ પૈકી ગિરીશ ઉર્ફે ટોમી ઊંઝા અને હરેશ ચૌધરી સામે સ્પોટ ફિક્સીંગના આરોપ પણ લાગી ચૂક્યા છે. વડોદરાના સીમાડે એક બંગલોમાં ટોમીએ સટ્ટા બેટિંગનું સેન્ટર શરૂ કર્યું હતું. અહીં ઇડીએ દરોડો પાડી 800 કરોડના વ્યવહારોનો પર્દાફાશ કર્યો હતો. એ સમયે એક આઇપીએસની આ રેકેટમાં સંડોવણી હોવાનો ભારે વિવાદ પણ થયો હતો. સ્પોટ ફિક્સિંગ અને સટ્ટાબેટિંગના રેકેટમાં હરેશની પત્નીને પણ પોલીસ પકડી ચૂકી છે.
**મોટા બુકીઓ માટે હવે જ્યોર્જિયા બની ગયું છે હોટ ડેસ્ટિનેશન
એપ્લિકેશન અને લીંક આઇડી થકી વ્યક્તિગત રીતે સટ્ટો રમવાનું પ્રચલિત બન્યું ત્યારથી મોટા બુકી કહેવાતા ગાંધીધામનો અમીત મજીઠીયા, રાજકોટનો રાકેશ રાજદેવ, રાધનપુરનો હાર્દિક ચૌધરી છત્તીસગઢનો સૌરભ ચંદ્રાકર ઉર્ફે મહાદેવ, રાધનપુર પીપળી નો હાર્દિક નવીનચંદ્ર મહેતા એ દુબઇમાં ડેરા તંબુ તાણ્યા છે. દુબઇમાં રહેવાનું અને યુક્રેન થી નેટવર્ક ઓપરેટ કરવાની મોડસ ઓપરેન્ડી પોલીસના રડારમાં આવી હતી.

આ સાથે જ સટ્ટાકિંગ કહી શકાય એવા આ મોટા માથાઓએ ભારત સાથે પ્રત્યાર્પણ સંધિ ના હોય એવા દેશોની નાગરિકતા લઇ લીધી છે કે એ માટે પ્રયાસ કરી રહ્યા છે. મોટાભાગના લોકોએ વાનુઅતુ દેશની નાગરિકતા લઇ લીધી છે. આ દેશના એજન્ટની આખી સિન્ડીકેટ દુબઇમાં છે. આ સિન્ડીકેટ માત્ર એક કરોડ રૂપિયામાં વાનુઅતુ દેશના નાગરિકતાં અપાવી દે છે, એ પણ ત્યાં ગયા વિના જ. આ ઉપરાંત બુકીઓએ જ્યોર્જીયા તરફ પણ દોટ મૂકી છે. જ્યોર્જિયામાં તેઓ ક્લબ અને કેસીનોમાં રોકાણ કરી રહ્યા છે. સુરતમાં ભાગીદારો સહિતનું નેટવર્ક ધરાવતાં હાર્દિક મહેતાએ પણ ત્યાં કેસીનો લીધો હોવાનું જાણવા મળે છે.