જૂનાગઢઃ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં દારૂના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. શરાબના શોખીન દરિયા કિનારે ચોમાસાની મોજ માણવા જતાં શરાબના શોખીનો માટે આ માઠા સમાચાર છે. જો કે વાત સાચી છે. દીવમાં લગાવાયેલી દારૂબંધી પાછળ જવાબદાર છે એક વિશેષ કારણ. અહીં મ્યુનિસિપલ કાઉન્સિલની સામાન્ય ચૂંટણીઓના કારણે 5થી 8 જુલાઈ સુધી આલ્કોહોલિક પીણા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની ચૂંટણીનું આયોજન અને મતદાન થાય છે. ત્યારે દિવમાં કાયદા અનુસાર આલ્કોહોલિક પીણાંનું વેચાણ અને તેના સેવન પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.
દીવ મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી માટે આગામી 7 જુલાઈ (ગુરુવારે) સામાન્ય મતદાન હાથ ધરાવા જઈ રહ્યું છે, જેની મતગણતરી 9 જુલાઈ (શનિવારે) હાથ ધરાશે. ત્યારે સંઘ પ્રદેશના કાયદા અનુસાર, તમામ પ્રકારની ચૂંટણીના મતદાન પૂર્વે 2 દિવસ અગાઉ અને મતદાન પૂર્ણ થયાના 24 કલાક બાદ સુધી સમગ્ર સંઘ પ્રદેશ દીવમાં તમામ પ્રકારના આલ્કોહોલિક પીણાંનું સેવન કરવું અને તેનું વેચાણ કરવાનું પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. આજથી જ દારૂબંધીનો અમલ – તે મુજબ હવે આજથી (5 જુલાઈ) 8 જુલાઈ સુધી સંઘ પ્રદેશ દીવમાં તમામ પ્રકારના આલ્કોહોલિક પીણાંના વેચાણ અને તેના સેવન કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેનો અમલ સાર્વત્રિક રીતે કરવાનો રહેશે.
મતદારોને કોઈ લલચાવે નહીં તે માટે કરાયો નિર્ણય – સંઘ પ્રદેશ દીવના કાનૂન અનુસાર, મતદાનના દિવસે કોઈ પણ ઉમેદવાર સામાન્ય મતદારોને લલચાવી અને તેના મતાધિકારનો દુરૂપયોગ ન કરાવી જાય તેમ જ મતદાનના દિવસે તમામ પ્રકારની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે. તે માટે સંઘ પ્રદેશ દીવમાં તમામ પ્રકારના આલ્કોહોલિક પીણાંનું સેવન અને તેના વેચાણ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.
જાહેરનામું પ્રસિદ્ધ કરાયું – તે મુજબ આજથી (5 જુલાઈ) 8 જુલાઈ સુધી સંઘ પ્રદેશ દીવના નાગરિકો સહિત અહીં પ્રવાસન માટે આવતા તમામ પ્રવાસીઓ પણ આ દિવસો દરમિયાન આલ્કોહોલિક પીણાંનું સેવન નહીં કરી શકે. આ ઉપરાંત રેસ્ટોરાં, બીયર બાર અને હોટેલના સંચાલકો પણ દીવમાં દારૂનું વેચાણ નહીં કરી શકે. આ પ્રકારનું જાહેરનામું દીવ જિલ્લા વહીવટી તંત્ર સેન્ટ્રલ એક્સાઇઝ દ્વારા જાહેર કરવામા આવે છે. તે મુજબ આજથી મતદાન પૂર્વે દિવમાં દારૂનું સેવન અને વેચાણ નહીં કરવાનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે.