સુરત, તા.18 ફેબ્રૂઆરી…
સુરતના અઠવાલાઇન્સ રોડ પર આવેલા દક્ષિણ ગુજરાતની ખ્યાતનામ એમ.ટી.બી આર્ટ્સ કોલેજમાં મનો વિજ્ઞાનની ક્ષિતિજો વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડોક્ટર રૂદ્રેશ વ્યાસના આ દુરંદેશી આયોજનનો વિદ્યાર્થીઓ ભરપુર લાભ ઉઠાવ્યો હતો.
ભવ્ય ભૂતકાળ કહો કે જાજરમાન વારસો ધરાવતી એમ.ટી.બી આર્ટસ કોલેજ સમયની સાથે કદમતાલ મિલાવી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસની દિશામાં કામ કરી રહી છે. અહીં એવા અભ્યાસક્રમો ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેને લઇ વિદ્યાર્થીઓને ઇચ્છીત ક્ષેત્રમાં સફળ કારકિર્દીની કેડી કંડારી શકે છે. શિક્ષણની સાથે સાથે રોજગારલક્ષી સપોર્ટિંગ એક્ટિવીટીથી માંડી કેમ્પસ સિલેકશન સુધીના આયોજનો અહીંની ખાસિયત છે. ખાસ કરીને મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં આ કોલેજ નોંધપાત્ર પ્રદાન કરી રહી છે.

વિદ્યાર્થીઓને જે તે વિષયનું બહોળું જ્ઞાન મળે એ માટે અવાર નવાર તજજ્ઞોને બોલાવી વ્યાખ્યાનો યોજવામાં આવે છે. તજજ્ઞો દ્વારા પીરસાતુ અનુભવનું ભાથુ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનની ભૂખ સંતોષનારુ, મૂલ્યવાન સાબિત થઇ રહ્યું છે. તાજેતરમાં એમ.ટી.બી આર્ટસ કોલેજ તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત વિસ્તરણ વ્યાખ્યાન માળા નિમિત્તે નવસારી ગાર્ડા કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ ધર્મવીર ગુર્જર નું મનોવિજ્ઞાનની વિસ્તરતી ક્ષિતિજો વિષય ઉપર વ્યાખ્યાન યોજાયું

એમ ટી બી આર્ટસ કોલેજમાં વિદ્યાર્થીઓ માટે યોજાયેલ વ્યાખ્યાનમાં ધર્મવીર ગુર્જરે જુદા જુદા ઉદાહરણો, વાર્તાઓ, અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીઓને જીવનમાં મનોવિજ્ઞાન અને તેના સિદ્ધાંતોના ઉપયોગ વિશે સુંદર માહિતી આપી હતી. પોતાની દીર્ઘ કારકિર્દીના અનુભવો, સંશોધનો અંગે ગુર્જરે ઉંડાણ પૂર્વક વાતો જ નહોતી કરી, મનોવિજ્ઞાનની વિસ્તરી રહેલી ક્ષિતીજો અંગેવિદ્યાર્થીઓને પુરતી સમજણ આપી હતી.
કાર્યક્રમમાં એમટી બી આર્ટસ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર મુકેશ પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડોક્ટર રૂદ્રેશ વ્યાસે આભાર વિધિ કરી હતી. કાર્યક્રમનો પ્રારંભ ટીવાય બીએ ના વિદ્યાર્થીઓની સુંદર પ્રાર્થનાથી થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટી વાય બી એ વિદ્યાર્થીની રુચિ વરીયા એ કર્યું હતું. રૂમ નંબર 11 માં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.