આંતરરાષ્ટ્રીય સ્તરે અને IPL જેવી ક્રિકેટ મેચમાં સટ્ટાબાજીની ઘણી ઘટનાઓ જોવા અને સાંભળવા મળે છે. પરંતુ, હવે ગુજરાતમાં નકલી IPLનો પર્દાફાશ થયો છે. ફાર્મ હાઉમાં મજૂરો પાસે મેચ રમાડવી, હર્ષા ભોગલેના અવાજમાં કોમેન્ટ્રી, યુટ્યૂબ ઉપર પ્રસારણ અને રશિયાથી ઓપરેટ થતાં આ રેકેટને જોઇ પોલીસની આંખો પણ પહોંળી થઇ ગઇ હતી. ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં ચાલી રહેલી આ નકલી IPL રેકેટનો પર્દાફાશ કરી પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ બનાવટી ક્રિકેટ લીગનું આયોજન કરવા માટે મોટા મેદાન સાથેનું ફાર્મ હાઉસ ભાડે રાખવામાં આવ્યું હતું. ફાર્મના મેદાનમાં ફ્લડ લાઇટ લગાવી મેચ રમાડાઇ હતી. આ મેચમાં પ્રોફેશનલ ખેલાડીઓના સ્થાને ખેતમજૂરો હતો. જેમને 400 રૂપિયા પ્રતિ મેચ આપવામાં આવ્યા હતા. મેચ દરમિયાન મજૂરોને આઇપીએલમાં ખેલાડીઓ પહેરે છે એવી જર્સી પહેરીને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને નકલી અમ્પાયર પણ રાખવામાં આવ્યા હતા, જેઓ આખી મેચ રમાડી હતી. મેચ દરમિયાન પાછળથી ઓડિયો ઈફેક્ટ પણ વગાડવામાં આવી હતી. એકંદરે, લોકોને એવો અહેસાસ કરાવવાનો પ્રયાસ હતો કે સાચ્ચે IPL ચાલી રહી છે.
આ નકલી IPL મેચને શૂટ કરવા માટે HD કેમેરા લગાવવામાં આવ્યા હતા અને મેચનું YouTube પર જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું. આ માટે સેન્ચ્યુરી હીટર નામની ટીમ CRICHEROES નામની એપ પર રજીસ્ટર કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે શોએબ દાવડા નામના વ્યક્તિએ આખું મેદાન સટ્ટાબાજી માટે તૈયાર કર્યું હતું અને 20-20 ઓવરની મેચ રમાઈ રહી હતી. મેચ રમી રહેલા તમામ ખેલાડીઓને અગાઉથી સૂચના આપવામાં આવી હતી કે કેવી રીતે રમવું, ક્યારે આઉટ થવું અને ક્યારે સ્કોર કરવો.
ગુજરાતમાં ચાલી રહેલી આ નકલી IPLના તાર રશિયા સાથે સંબંધિત છે અને એવું જાણવા મળ્યું છે કે ઠગોએ રશિયાના ત્રણ શહેર ટાવર, વોરોનેઝ અને મોસ્કોના લોકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. મહેસાણા પોલીસે ગુપ્ત માહિતીના આધારે સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે અને અત્યાર સુધીમાં 3 લાખ રૂપિયા સાથે સ્થળ પરથી 4 લોકોની ધરપકડ કરી છે. મહેસાણા પોલીસે આ ફેક લીગ મેચ દ્વારા ચાલી રહેલા સટ્ટાની તપાસ કરી રહી છે અને 5 લોકો સામે ગુનો નોંધ્યો છે. પોલીસનું કહેવું છે કે આ સટ્ટાબાજીમાં કોઈ આંતરરાષ્ટ્રીય રેકેટનું નામ આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.