સુરત, 21 ફેબ્રૂઆરી…
પોલીસ તપાસ માટે આવશ્યક હોવાનું જણાવી લોકોના કોલ ડિટેલ રિપોર્ટ મંગાવી દિલ્હીની જાસૂસી સંસ્થાને વેચવાનાં રેકેટનો ગત ઓગષ્ટ મહિનામાં દિલ્હી પોલીસે પર્દાફાશ કર્યો હતો. આમાં સુરત પોલીસના બે કોન્સ્ટેબલ્સ વિપુલ અને મિથુનની સંડોવણી બહાર પોલીસ તેમને ઉપાડી ગઇ હતી. આમાંથી વિપુલની ધરપકડ કરાઇ જ્યારે મિથુન લાપતાં થઇ ગયો છે. દિલ્હી પોલીસના દાવા અનુસાર તેમણે મિથુનને મુક્ત કરી દીધો હતો. જો કે ઘરે નહીં પહોંચેલા મિથુનનો સાત મહિના બાદ પણ અતો પતો નહીં લાગતાં તેના પરિવારે આજે પોલીસ કમિશનર કચેરીએ ધરણા કર્યા હતાં.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ દિલ્હી પોલીસે ડિટેક્ટીવ એજન્સીઓને ગેરકાયદેસર કોલ ડિટેઈલ રેકોર્ડ વેચવાના રેકેટને ઝડપી પાડી તેમની પુછપરછ આરંભી હતી. આ તપાસમા કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હતાં. ડિટેક્ટીવ એજન્સીને ગેરકાયદેસર રીતે કોલ ડિટેઈલ કાઢી આપનાર શખ્સ સુરત પોલીસનો હેડ કોન્સ્ટેબલ વિપુલ કોરડીયા નીકળ્યો હતો. આ માહિતીના આધારે દિલ્હી પોલીસે વિપુલની ગત ઓગષ્ટ મહિનામાં ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસ વિપુલની સાથે ડીસીપી ઓફિસમાં નોકરી કરતાં મિથુન ચૌધરીને પણ ઉપાડી ગઇ હતી. જો કે મિથુન દિલ્હીથી પરત આવ્યો જ ન હતો.

ચૌધરી પરિવારે તપાસ કરી અને સુરત પોલીસ પર દબાણ આણ્યું ત્યારે તેની શોધખોળ શરૂ કરાઇ હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ માટે દિલ્હી પણ ગઇ હતી. જો કે દિલ્હી પોલીસે અમે મિથુનને જવા દીધો હોવાની વાત કરી હતી. દિલ્હી પોલીસના દાવા પ્રમાણે તેમણે મુક્ત કરેલા પરંતુ ઘરે નહીં પહોંચેલો મિથુન રહસ્યમય રીતે એવો ગાયબ થયો કે સાત મહિના બાદ પણ તેનો અતો લાગ્યો નથી.
પોલીસની તપાસમાં મિથુન ચૌધરી દિલ્હી રેલવે સ્ટેશનના સીસી કેમેરામાં દેખાયો હતો. ટિકિટ બારી આસપાસ ફરતો દેખાયેલો મિથુન ત્યાંથી ક્યાં ગયો એ આજદીન સુધી જાણી શકાયું નથી. કોન્સટેબલ લાપતાં થયો હોવા છતાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગંભીરતાંથી તપાસ કરવામાં આવી રહી ન હોવાનું જણાવી ચૌધરી પરિવારે હાઇકોર્ટમાં ફરિયાદ પણ કરી હતી. ચૌધરી પરિવારની ઉઠાપટક બાદ દિલ્હી પોલીસે મિથુનના લાપતાં થવા અંગે ગુનો નોંધ્યો હતો. જો કે તેની કોઇ પરિણામલક્ષી તપાસ થઇ નથી. બીજી તરફ સુરત પોલીસ પણ સમગ્ર બનાવમાંથી હાથ ખંખેરી રહયાનું જણાય આવતાં ચૌધરી પરિવારે આજે પોલીસ કમિશનર કચેરીએ ધરણા કર્યા હતાં.

**ડીસીપી ભાવના પટેલે પણ ફરિયાદ નોંધાવી હતી
સીડીઆર કૌભાંડમાં ડીસીપી ઝોન 2 ની ઓફિસની GSWAN આઈડીનો દુરૂપયોગ કરી કોલ રેકોર્ડ ગેરકાયદેસર મેળવવાના પ્રકરણમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો છે. ડીસીપી ( ઝોન 2 ) ભાવનાબેન પટેલે 25 ઓગષ્ટે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફાલસાવાડી સ્થિત મહિધરપુરા પોલીસ સ્ટેશનની ઉપર આવેલી તેમની કચેરીના GSWAN ઇમેઇલ આઇડીના યુઝરનેમ તથા પાસવર્ડ ગમે તે રીતે મેળવી અથવા હેક કરી તેમની જાણ અને સંમતી વગર ઓપન કરવામાં આવ્યા હતા.

ત્યાર બાદ જે તે ટેલીકોમ કંપનીના નોડલ ઓફીસરને કરવામાં આવતા ઇમેઇલમાં ટેક્સ ફોર્મેટમાં એડીટીંગ કરી ઇલેકટ્રોનીક રેકર્ડ સાથે ચેડા કરી ખોટી રીતે દિલ્હીના એક વ્યક્તિ તેમજ અન્યોના મોબાઇલ નંબરોની ખોટી રીતે કોલ ડીટેઇલ્સ મંગાવવામાં આવી હતી. આ અંગેની તપાસ સાયબર ક્રાઈમ શાખાના એસીપીને સોંપાઈ હતી. આ ફરિયાદમાં આરોપી એવો વિપુલ દિલ્હી પોલીસની કસ્ટડીમાં હોવા છતાં હજી તેને લાવી પૂછપરછ કરાઇ નથી, જ્યારે મિથુન ચૌધરી લાપતાં થઇ ગયો છે.

*** મેડમે દિલ્હી મોકલ્યા, હવે જવાબ આપતાં નથી
ચૌધરી પરિવારે પોલીસ કમિશનર કચેરીએ ધરણા કરી મિથુનને શોધી આપવાની માંગણી કરી હતી. ચૌધરીની દીકરી ધ્રૂવી અને દિકરા પ્રિયાંશુએ જણાવ્યું હતું કે મિથુનને ડીસીપી મેડમે જ દિલ્હી મોકલ્યો હતો. જવાબ લખાવી આવી જવાનું છે, એમ મેડમે કહ્યું હોવાથી તે દિલ્હી ગયો હતો. હવે તે મળતો નથી અને મેડમ પણ જવાબ આપતાં નથી. પત્ની શર્મિલાબેને જણાવ્યું હતું કે ઘર પરિવારની હાલત કફોડી બની ગઈ છે.
ગત મહિનાથી પગાર પણ બંધ થઈ ગયો હોવાથી હવે સ્થિતિ વધુ નાજુક બની છે. છોકરીની શાળાની ફી ભરવી, ગુજરાન ચલાવવાનુ મુશ્કેલ બની ગયું છે. અમારી એક જ માંગ છે મિથુન ચૌઘરીને શોધી આપો. તેણે કોઇ ગુનો કર્યો હોય તો શોધી લાવીને તપાસ કરો, કાર્યવાહી કરો. સુરત કે દિલ્હી પોલીસ અમારુ સાંભળતી નથી. સુરતથી જવાબ મળે છે કે દિલ્હી પોલીસ લઇ ગઇ હતી, દિલ્હી તપાસ કરાય તો કહેવાય છે કે અમે છોડી દીધો. અધિકારીઓ હંમેશા પોલીસ કર્મચારીઓ માટે પરિવાર શબ્દ વાપરે છે. તો તેમના પરિવારનો સભ્ય લાપતા થયો છે એમ સમજીને શોધી આપે એવી અમારી માંગણી છે.