મુંબઇ : મહાકાવ્ય મહાભારત પર સિરિયલ બનાવનાર પ્રખ્યાત નિર્દેશક બીઆર ચોપરાનો મુંબઈના જુહુમાં આવેલો બંગલો વેચાઈ ગયો છે. રિપોર્ટ અનુસાર બીઆર ચોપરાનો આ બંગલો 183 કરોડ રૂપિયામાં વેચાયો છે. આ બંગલો 25,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે.
રિપોર્ટ અનુસાર, 25,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો બીઆર ચોપરાનો આ બંગલો કે રહેજા કોર્પ દ્વારા 182.76 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. કંપનીએ બંગલાની રજિસ્ટ્રી માટે રૂ. 11 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. કે રહેજા કોર્પે આ મિલકત બીઆર ચોપરાની પુત્રવધૂ અને દિવંગત ફિલ્મ નિર્માતા રવિ ચોપરાની પત્ની રેણુ ચોપરા પાસેથી ખરીદી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રોપર્ટી ડેવલપર્સે તેને પ્રીમિયમ હાઉસિંગ પ્રોજેક્ટ બનાવવા માટે ખરીદી છે.
બીઆર ચોપરા આ બંગલામાંથી પોતાનો મોટાભાગનો બિઝનેસ ચલાવતા હતા. તેમની ફિલ્મ અને ટીવી સિરિયલ બનાવવાના ઇતિહાસમાં, બીઆર ચોપરાએ મહાભારત ટીવી સિરિયલ ઉપરાંત ધ બર્નિંગ ટ્રેન, ‘ધૂલ કા ફૂલ’, ‘વક્ત’, ‘નયા દૌર’, ‘કૌન’, ‘હમરાજ’ અને ‘નિકાહ’સહિત ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો બનાવી. તમને જણાવી દઈએ કે, વર્ષ 2008માં બીઆર ચોપરાનું મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેણે પોતાના કરિયરમાં જેવી ફિલ્મો બનાવી છે.
બલદેવ રાજ ચોપરા એટલે કે બીઆર ચોપરા ભાગલા પછી દિલ્હી અને પછી મુંબઈ ગયા હતા. તેણે સિને હેરાલ્ડ જર્નલ માટે ફિલ્મ સમીક્ષાઓ લખીને તેની કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ વર્ષ 1949માં તેણે પોતાની પહેલી ફિલ્મ ‘કારવાહ’ બનાવી જે ફ્લોપ રહી હતી. જો કે આ પછી બીઆર ચોપરાએ હાર માની નહીં. ત્યારબાદ વર્ષ 1951માં તેણે ફિલ્મ ‘અફસાના’થી પોતાનું નસીબ અજમાવ્યું, જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ. આ પછી, બીઆર ચોપરાએ વર્ષ 1955માં પોતાનું પ્રોડક્શન હાઉસ બીઆર ફિલ્મ્સ બનાવ્યું. આ પ્રોડક્શન હાઉસ માટે તેમની પ્રથમ ફિલ્મ ‘નયા દૌર’ હતી, જેમાં દિલીપ કુમાર મુખ્ય ભૂમિકામાં હતા.