નવી દિલ્હીઃ કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા અભિનેતા સતીશ વજ્રની હત્યા કરવામાં આવી છે. પોલીસને ઘરમાંથી લોહીથી લથબથ તેમની લાશ મળી આવી હતી. સતીશ બેંગ્લોરના આરઆર નગરમાં રહેતો હતો. અહેવાલો અનુસાર તેમની પત્નીએ આત્મહત્યા કર્યા બાદ હત્યાની આ ઘટના ઘટી છે. પોલીસને શંકા છે કે સતીશની હત્યા અન્ય કોઈએ નહીં પણ તેની પત્નીના ભાઈ એટલે કે તેના સાળાએ કરી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને સતીશના સાળા અને તેના સાસરિયાઓને શોધી રહી છે.

બેંગ્લોરના આરઆર નગરમાં રહેતાં સતીશની હત્યાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આધાતમાં છે. સતીશના મૃત્યુથી ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે, હત્યાની આ ઘટના રવિવારે બની હતી. બનાવ અંગે સતીષના જમીન માલિકે પોલીસને જાણ કરી હતી. તેમણે જ ફ્લેટમાંથી લોહી નીકળતું જોયું હતું. ત્યારબાદ જ્યારે ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોયા તો જાણવા મળ્યું કે સતીશ ઘરે પરત આવતા જ બે અજાણ્યા લોકોએ તેમના પર તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જેના કારણે તેમણે જીવ ગુમાવ્યો હતો. પછી સતીશના હત્યારા ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસ સીસીટીવી ફૂટેજ પણ ચકાસી રહી છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
નોંધનીય છે કે, સતીશ વજ્રએ તેમના પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. સતીશ કે તેની પત્નીનો પરિવાર આ લગ્નથી ખુશ ન હતો. બંને પરિવારો વચ્ચે હંમેશા ઝઘડો થતો હતો. સતીશની પત્નીના આપઘાત પાછળ પારિવારિક વિવાદ હોવાનું માનવામાં આવે છે. સતીશ વજ્ર કર્ણાટકના માંડ્યા જિલ્લાના રહેવાસી હતા. તેણીએ લગોરી ફિલ્મથી કન્નડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મથી જ તેને ઓળખ મળી હતી. આ સિવાય તેણે ઘણી કન્નડ ફિલ્મોમાં સહાયક અભિનેતા તરીકે કામ કર્યું હતું.