સુરત: કેન્દ્ર સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સમગ્ર રાજ્યમાંથી કલાત્મક ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતા ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથના ઉત્થાન માટે ૩૧/૦૫/૨૦૨૨ થી ૬/૦૬/૨૦૨૨ દરમિયાન અડાજણના હનીપાર્ક ગ્રાઉન્ડ ખાતે આયોજિત જિલ્લા કક્ષાનો ‘સખી મેળો’ તેમજ ‘વંદે ગુજરાત પ્રદર્શન’નું નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્દઘાટન કર્યું હતું.

સખી મેળામાં કલાકસબીઓની હસ્તકલા, હેન્ડલૂમ અને વિવિધ ફૂડ પ્રોડક્ટસ ઉપલબ્ધ બની છે. મહિલાઓના આર્થિક સ્વાવલંબન માટેના આ મેળામાં ૧૦૦ થી વધુ સ્ટોલ ઉભા કરાયા છે.
રાજ્ય સરકારની છેલ્લા ૨૦ વર્ષની વિકાસયાત્રાની ઝાંખી કરાવતું પ્રદર્શન પણ સામેલ છે. અહીં ૧૦૯ જેટલા ગ્રામીણ મહિલાજુથોને ઉત્પાદિત ચીજવસ્તુના વેચાણ થકી પ્રોત્સાહિત કરવા અને આત્મનિર્ભર મહિલા કે આત્મનિર્ભર ગામના સૂત્રને સાર્થક કરવા એક બજાર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ પ્રસંગે ધારાસભ્ય ઝંખનાબેન પટેલ, ડે. મેયરશ્રી દિનેશ જોધાણી, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી સંદિપ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિ, પદાધિકારીઓ અને સ્ટોલધારકો ઉપસ્થિત રહ્યા હતા.