જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે પર હુમલો થયો છે. રિપોર્ટ અનુસાર, નારા સિટીમાં ભાષણ દરમિયાન શિન્ઝો આબે પર એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. ગોળી વાગ્યા બાદ તે સ્ટેજ પર ઢળી પડ્યા હતાં. પોલીસે હુમલાખોરની ધરપકડ કરી હતી અને શિન્ઝો આબેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જાપાની મીડિયા અનુસાર, શિન્ઝો આબે ભાષણ દરમિયાન અચાનક ભાંગી પડ્યા અને લોહીથી લથપથ થઈ ગયા. કેટલાક મીડિયાકર્મીઓનું કહેવું છે કે તેમણે પણ ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો.

રિપોર્ટ અનુસાર, શિન્ઝો આબે પર જાપાની સમય અનુસાર સવારે 11:30 વાગ્યે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોમાંથી એકની પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે શિંજો આબે ભાષણ આપી રહ્યા હતા ત્યારે કોઈએ તેમને પાછળથી ગોળી મારી દીધી હતી. શિન્ઝો આબે પર શા માટે હુમલો કરવામાં આવ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. શિન્ઝો આબે રવિવારે યોજાનારી સંસદીય ચૂંટણી માટે જાપાનમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા છે.
જાપાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિંઝો આબે ગોળી માર્યા બાદ બેહોશ થઈ ગયા હતા. હુમલામાં ઘાયલ થયા બાદ શિન્ઝો આબેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું છે કે શિન્ઝો આબેને હોશમાં લાવવા માટે CPR આપવામાં આવ્યું છે. હાલ તબીબોની ટીમ તેની સારવારમાં લાગેલી છે.
તમને જણાવી દઈએ કે જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંથી એક પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. ભારત અને જાપાન વચ્ચેના સારા સંબંધોમાં પણ તેમની મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. તેઓ લાંબા સમય સુધી જાપાનના વડાપ્રધાન હતા અને વર્ષ 2019માં સ્વાસ્થ્યના કારણોસર તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.